નવી દિલ્હીમાં આયોજિત એનડીટીવી વર્લ્ડ સમિટ 2026માં રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ ખાસ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે રેમન્ડના બિઝનેસને લઈને ભવિષ્યની યોજનાઓ પર ખુલીને ચર્ચા કરી હતી. જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું રેમન્ડ તેના ઓટોમોબાઈલ અને એરોસ્પેસ તથા ડિફેન્સ બિઝનેસને પણ આગામી સમયમાં અલગ કરી શકે છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ વાત ચોક્કસપણે અર્થપૂર્ણ સાબિત થઈ શકે છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને આજની તારીખમાં એવું કોઈ પગલું લેવાયું નથી, પરંતુ સમય આવ્યે આ વિચાર યોગ્ય બની શકે છે. જો કે તેમણે આ અંગે કોઈ ચોક્કસ ટાઈમલાઈન આપી નહોતી.
સિંઘાનિયાએ અગાઉ રેમન્ડના બિઝનેસને અલગ કરવા પાછળની માનસિકતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે કંપની હવે 3 અલગ-અલગ હિસ્સામાં વહેંચાયેલી છે, જેમાં લાઈફસ્ટાઈલ, રિયલ એસ્ટેટ અને એરોસ્પેસ, ઓટો તથા ડિફેન્સ સામેલ છે. આ બિઝનેસને અલગ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક કંપનીને પોતાની અલગ મેનેજમેન્ટ અને ગવર્નન્સ સ્ટ્રક્ચર આપવાનો છે, જેથી સંબંધિત ઇન્ડસ્ટ્રીઝને સારી રીતે સમજનારા પ્રોફેશનલ્સ તેને સંભાળી શકે.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ પ્રકારની રચનાથી રોકાણકારોને છૂટ મળશે કે તેઓ કયા ચોક્કસ બિઝનેસમાં રોકાણ કરવા માગે છે. સાથે જ, મેનેજમેન્ટના ઇન્સેન્ટિવ્સ પણ દરેક કંપનીના પર્ફોર્મન્સ સાથે વધુ સારી રીતે જોડાયેલા રહેશે. ગૌતમ સિંઘાનિયાના મતે આ પ્રકારના વિભાજનથી ભવિષ્યમાં સક્સેસન પ્લાનિંગ એટલે કે ઉત્તરાધિકારી નક્કી કરવાનું કામ પણ ઘણું સરળ બની જશે. કોવિડ મહામારીની અસરો, રેમન્ડની વિરાસતને બચાવવા માટે કરેલા વ્યક્તિગત બલિદાનો અને હાઈ-પરફોર્મન્સ કાર પ્રત્યેના પોતાના શોખ વિશે પણ તેમણે દિલ ખોલીને વાતો કરી હતી. આ સમિટમાં તેમણે ભારતના કન્ઝમ્પ્શન માર્કેટને દેશ માટે એક મોટો ફાયદો ગણાવ્યો હતો.
