ટેકનોલોજી જગતમાં જ્યારે પણ ઇનોવેશનની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ એપલ કંપનીનું જ યાદ આવે. પરંતુ, હવે દુનિયાના દિગ્ગજો જ એપલની પીઠ પાછળ સવાલો ઉઠાવવા લાગ્યા છે. તાજેતરમાં જ જાણીતા અબજોપતિ ઇન્વેસ્ટર પીટર થિલે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં એપલ કંપનીની વર્તમાન સ્થિતિ પર કડાકા ભડાકા કર્યા છે. પીટર થિલનું સ્પષ્ટ માનવું છે કે 2011માં સ્ટીવ જોબ્સના અવસાન પછી એપલ કંપનીમાંથી નવું અને ક્રાંતિકારી લાવવાની તાકાત જાણે ગાયબ જ થઈ ગઈ છે. સ્ટીવ જોબ્સના ગયા પછી એપલના હાથે કોઈ મોટી અને ચમત્કારિક ટેકનોલોજી બહાર નથી આવી.
આ ચર્ચા દરમિયાન પીટર થિલે એ વાત પણ સ્વીકારી કે એપલ પોતાની જૂની પ્રોડક્ટ્સને વધારે બેસ્ટ અને પાવરફુલ બનાવવામાં કોઈ કસર નથી છોડતી. આઇફોન અને બીજા ગેજેટ્સમાં સમયાંતરે સારા ફેરફારો થાય છે, પરંતુ જે સવાલો કોઈ નવું વિઝન લાવવાના હોય ત્યાં એપલ ખાલીખમ દેખાય છે. સ્ટીવ જોબ્સના સમયમાં દુનિયા આખી જેની રાહ જોતી હોય તેવી નવી પ્રોડક્ટ્સ લોન્ચ થતી હતી, જે આજે જોવા મળતી નથી. ફક્ત ચાલતી ગાડીને થોડી વધુ ફાસ્ટ દોડાવવા જેવું કામ અત્યારે એપલ કરી રહી છે, પણ રસ્તો નવો નથી શોધી રહી.
આજના આધુનિક સમયમાં માર્કેટની હરીફાઈ બહુ જ અઘરી બની ગઈ છે, ખાસ કરીને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મામલે. પીટર થિલના મતે એપલ આ રેસમાં બીજા દિગ્ગજો સામે સખત મુશ્કેલીમાં મુકાઈ રહી છે. આજે દુનિયાભરની મોટી ટેક કંપનીઓ એઆઈ બેઝ્ડ નવા ફીચર્સ અને પ્રોડક્ટ્સ લાવી રહી છે, ત્યારે એપલ હજુ પણ પોતાની જૂની ઇકોસિસ્ટમને સાચવવામાં જ વ્યસ્ત છે. જો એપલ સમયસર આ બાબતે નહીં જાગે, તો ટેકનોલોજીની આ લડાઈમાં લીડ ગુમાવવાનો વારો આવી શકે છે. એક તરફ એપલના ફેન્સ દર વર્ષે નવા આઇફોનની રાહ જોતા હોય છે, ત્યારે આવા દિગ્ગજ રોકાણકારોની આલોચના કંપની માટે વિચારવા જેવી ચોક્કસ બની ગઈ છે.
