અમેરિકન રાજકારણમાં અત્યારથી જ વર્ષ 2028ની વ્હાઇટ હાઉસની ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે. ભલે હજી સત્તાવાર રીતે કોઈ ઉમેદવારે રેસમાં ઝંપલાવ્યું ન હોય, પરંતુ રિપબ્લિકન પાર્ટીના દિગ્ગજોએ અંદરખાને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો તરફ ઇશારો કરીને કહી દીધું છે કે પાર્ટી પાસે આગામી સમય માટે મજબૂત સૈનિકો તૈયાર છે. આ બંને નેતાઓ પોતાની પબ્લિક અપિયરન્સ અને રાજકીય ગતિવિધિઓથી સતત લાઈમલાઈટમાં રહે છે, જોકે પોતાના ભવિષ્યના પ્લાનિંગ બાબતે તેઓ હજી પૂરી સાવધાની રાખી રહ્યા છે.
આ બંને નેતાઓની લોકપ્રિયતા અને કામ કરવાની રીત અલગ છે, જેના કારણે રિપબ્લિકન સમર્થકોમાં ભારે ચર્ચા છે કે આમાંથી અસલી કમાન્ડ કોના હાથમાં આવશે. જો પોલિંગ એટલે કે જનમત સર્વેની વાત કરીએ, તો હાલના તબક્કે જેડી વાન્સનું પલ્લું માર્કો રૂબિયો કરતા થોડું ભારે દેખાઈ રહ્યું છે. રિપબ્લિકન વોટર્સ વચ્ચે જેડી વાન્સની પકડ થોડી મજબૂત માનવામાં આવી રહી છે. જોકે, માર્કો રૂબિયો પણ પોતાના અનુભવ અને વિદેશ નીતિના દમ પર બરાબરની ટક્કર આપી રહ્યા છે.
ટ્રમ્પની નજરમાં તો આ બંને નેતાઓ રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે તેમ છે. અમેરિકાના બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે આ બંને નેતાઓ આગામી સમયમાં કેવું પર્ફોર્મન્સ આપે છે અને જનતા કોના પર ભરોસો મૂકે છે તે તો સમય જ કહેશે, પરંતુ અત્યારથી જ આ રેસ રોમાંચક મોડ પર આવી ગઈ છે. સામાન્ય જનતા અને રાજકીય વિશ્લેષકોની નજર હવે આ બંને નેતાઓની આગામી ચાલ પર છે.
