JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

રાજકોટમાં દિવાળી પહેલાં ડ્રાયફ્રૂટના ભાવમાં ભડકો, આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત ઘટતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Oct 26, 2026 | 12:40 | By JAMNAGAR MIRROR
રાજકોટમાં દિવાળી પહેલાં ડ્રાયફ્રૂટના ભાવમાં ભડકો, આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત ઘટતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
રાજકોટ બજારમાં દિવાળીના તહેવાર ટાણે જ ડ્રાયફ્રૂટના ભાવમાં ૨૫ થી ૫૫ ટકા સુધીનો મોટો વધારો થયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા જરૂરિયાત સામે માત્ર 10 ટકા જ કન્ટેનરની આવક થઈ રહી છે, જેનાથી ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે.

દિવાળીનો તહેવાર એટલે ઘરમાં મીઠાઈઓ અને ડ્રાયફ્રૂટની સુવાસ, પરંતુ આ વર્ષે રાજકોટની બજારમાંથી ગૃહિણીઓ અને વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તહેવારોની મોસમ શરૂ થતાં જ ડ્રાયફ્રૂટના ભાવમાં આગઝરતી મોંઘવારી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી અશાંતિ અને ખાસ કરીને ઈરાન તથા અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે આયાત-નિકાસની આખી સપ્લાય ચેઈન ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. સામાન્ય દિવસોમાં બજારમાં અંદાજે 200 કન્ટેનરની જરૂરિયાત રહેતી હોય છે, તેની સામે હાલમાં માંડ 20 કન્ટેનરની જ આવક થઈ રહી છે. માલની આ ભારે અછતના કારણે બજારમાં ભાવ સીધા જસામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યા છે.

રાજકોટના બજારમાં બદામ, પિસ્તા અને કાજુ જેવા લોકપ્રિય સૂકામેવાના ભાવમાં 25 ટકાથી લઈને 55 ટકા સુધીનો અધધ વધારો નોંધાયો છે. જો નવા ભાવ પર નજર કરીએ તો, બદામનો જૂનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 800 હતો, જે વધીને હવે રૂપિયા 1,200 થઈ ગયો છે. જ્યારે કાજુ રૂપિયા 700 થી વધીને પ્રતિ કિલો રૂપિયા 1,000 સુધી પહોંચી ગયા છે. આ તરફ પિસ્તાનો જૂનો ભાવ રૂપિયા 1,200 હતો તે વધીને સીધા રૂપિયા 1,800 થઈ ગયા છે અને પિસ્તા મોરા તો હવે રૂપિયા 3,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. અન્ય વસ્તુઓની વાત કરીએ તો ચારોળી રૂપિયા 2,000 પ્રતિ કિલો, અખરોટ રૂપિયા 700 થી 1,000, કિસમિસ રૂપિયા 500 થી 800 અને જલદારૂના ભાવ રૂપિયા 400 થી વધીને સીધા રૂપિયા 800 થી 1,200 સુધી પહોંચી ગયા છે. રાહતના સમાચાર માત્ર એટલા છે કે અંજીરના ભાવ ઘટીને રૂપિયા 600 આસપાસ આવ્યા છે.

તહેવારોની સિઝનમાં સગા-સંબંધીઓને ગિફ્ટિંગ કરવા માટે અને મહેમાનોના સ્વાગત માટે ડ્રાયફ્રૂટનું વિશેષ મહત્ત્વ હોય છે, પરંતુ આ અણધાર્યા ભાવવધારાના કારણે આ વર્ષે મધ્યમ વર્ગના પરિવારનું દિવાળીનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વેપારીઓનું કહેવું છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે આયાતની સ્થિતિ જલ્દી નહીં સુધરે, તો આગામી દિવસોમાં તહેવાર નજીક આવતા ભાવ હજી પણ વધુ ઊંચા જઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.

LATEST ARTICLES