રાજકારણમાં આજકાલ શાબ્દિક હુમલાઓનું પ્રમાણ વધી ગયું છે, જેની તાજી ઝાંખી ફરી એકવાર દેશના રાજકીય મંચ પર જોવા મળી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીથી રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે દેશના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ભારે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ખુલ્લેઆમ કહ્યું કે ખડગેનું આ નિવેદન માત્ર પીએમનું અપમાન નથી, પરંતુ તેનાથી દેશના લાખો નાગરિકોની લાગણીઓને પણ ઠેસ પહોંચી છે અને સાર્વજનિક મંચની મર્યાદા જોખમાઈ છે.
કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા રાજનાથ સિંહે ઉમેર્યું કે માફી માંગવાને બદલે કોંગ્રેસ નેતાઓ આવા નીચા સ્તરના વ્યક્તિગત પ્રહારોને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. લોકશાહીમાં મતભેદો હોઈ શકે છે અને રાજકીય લડાઈ પણ લડી શકાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલા નેતા માટે આવી અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે આવા નિવેદનોથી પીએમ મોદીના કામ કે લોકપ્રિયતા પર કોઈ ફરક પડવાનો નથી, પરંતુ દેશની જનતા આનો જવાબ આગામી સમયમાં મતદાન દ્વારા ચોક્કસ આપશે.
