JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

દેવભૂમિ દ્વારકા SOGના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, કારમાંથી લાખો રૂપિયા ગુમ થયાની ફરિયાદથી ખળભળાટ

Oct 26, 2026 | 12:05 | By JAMNAGAR MIRROR
દેવભૂમિ દ્વારકા SOGના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, કારમાંથી લાખો રૂપિયા ગુમ થયાની ફરિયાદથી ખળભળાટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના SOGના ચાર પોલીસકર્મીઓને લાખો રૂપિયાની રોકડ રકમ ગુમ કરવાના મામલે રાજકોટ રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે. આ ગંભીર મામલે SOGના પીઆઈને પણ લીવ રિઝર્વમાં મૂકી દેવાતા પોલીસબેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.

খંભાળિયાની આ ચકચારી ઘટનાની વિગત મુજબ, અગાઉ એક કેસના સિલસિલામાં દેવભૂમિ દ્વારકા SOGની ટીમ દ્વારા એક આરોપીની મોટર પકડવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ આરોપીએ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય સમક્ષ ગંભીર રજૂઆત કરી હતી કે જ્યારે SOGની ટીમે તેની અટકાયત કરી ત્યારે તેની કારમાં રાખેલા લાખો રૂપિયાની રોકડ રકમ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. સામાન્ય રીતે પોલીસ રક્ષણ અને કાયદો જાળવવા માટે હોય છે, પરંતુ જ્યારે ખાખી જ શંકાના ઘેરામાં આવે ત્યારે સામાન્ય પ્રજાનો ભરોસો ડગમગવા લાગે છે. આ કિસ્સામાં પણ કંઈક આવું જ બનતા મામલો સીધો હાઈલેવલ સુધી પહોંચ્યો હતો.

આરોપીની આ ગંભીર ફરિયાદને પગલે રાજકોટ રેન્જ આઈજીએ તાત્કાલિક ધોરણે કડક પગલાં લીધા છે. આઈજીના આદેશ અનુસાર દેવભૂમિ દ્વારકા SOGમાં ફરજ બજાવતા ASI રાજભા જાડેજા, કિશોરસિંહ ભગુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા અને કરણ સોંદરવા નામના ચાર પોલીસકર્મીઓને તુરંત અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ ચારેયની સજાના ભાગરૂપે દેવભૂમિ દ્વારકામાંથી જિલ્લા બહાર એટલે કે સુરેન્દ્રનગર ખાતે બદલી પણ કરી નાખવામાં આવી છે. પોલીસ વિભાગમાં શિસ્તના ભંગ બદલ લેવાયેલું આ એક મોટું અને દાખલારૂપ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ પ્રકરણ અહીં જ અટકતું નથી, આ સમગ્ર વિવાદની ગાડી આગળ વધતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ પણ મોટો નિર્ણય લીધો છે. દ્વારકા SOGના પીઆઈ વી.એ. રાણાને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને પીઆઈ ગુર્જરને SOGનો નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એકસાથે ચાર-ચાર કર્મચારીઓ સસ્પેન્ડ થવા અને પીઆઈ સામે પણ કાર્યવાહી થવાને કારણે સમગ્ર જિલ્લાના પોલીસબેડામાં ભારે સન્નાટો અને ચર્ચાનો વિષય બન્યો છે. ખાખી વર્દીને દાગ લગાવનારાઓ માટે આ ઘટના એક મોટો સંદેશો બની રહી છે.

LATEST ARTICLES