ઉત્તર પ્રદેશના હાઇવે પરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી જ્યારે પોતાના કાફલા સાથે કાનૂની કામસબબ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તા પર અફરાતફરી મચી ગઈ. પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર હલિયાપુર નજીક 89.5 કિલોમીટર માઈલસ્ટોન પાસે રાહુલ ગાંધીના કાફલાની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલા વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે થોડીવાર માટે ત્યાં હાજર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ભારે દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની વિગતો મુજબ, રાહુલ ગાંધી સવારે 7 વાગ્યે પોતાના દિલ્હી સ્થિત આવાસથી ઉત્તર પ્રદેશના સુલતાનપુર જવા માટે રવાના થયા હતા. વર્ષ 2018 ના એક ફોજદારી માનહાનિ કેસમાં સુલતાનપુરની સ્પેશિયલ MP/MLA કોર્ટમાં હાજરી આપવા માટે તેઓ જઈ રહ્યા હતા. તે જ સમયે રસ્તામાં આ અણધારી દુર્ઘટના ઘટી હતી. કાફલાની પાછળ ચાલી રહેલી ગાડીઓ ટકરાવાને કારણે કોંગ્રેસના કેટલાક કાર્યકરો, સ્થાનિક હોદ્દેદારો અને સુરક્ષાકર્મીઓને સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.
સૌથી રાહતના સમાચાર એ છે કે આ અકસ્માતમાં ખુદ રાહુલ ગાંધીને કોઈ ઈજા નથી થઈ અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ઇજાગ્રસ્તોને તરત જ જરૂરી મદદ અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું અને કયા સંજોગોમાં ગાડીઓ અથકાઈ તે અંગે હજુ વધુ વિગતોની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે.
