JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં થાય, ભાજપ પ્રભારી તરુણ ચૂગે કોંગ્રેસના દાવા પર ફેરવ્યું પાણી

Oct 26, 2026 | 11:55 | By JAMNAGAR MIRROR
ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં થાય, ભાજપ પ્રભારી તરુણ ચૂગે કોંગ્રેસના દાવા પર ફેરવ્યું પાણી
મોરબીમાં કોંગ્રેસ નેતા દ્વારા વહેલી ચૂંટણીના દાવા બાદ રાજકારણ ગરમાયું હતું. જો કે ભાજપ પ્રભારી તરુણ ચૂગે સ્પષ્ટ કરી દીધું છે કે ચૂંટણી નક્કી સમયે જ યોજાશે. સાથે જ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી વહેલી ચૂંટણી યોજાવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. મોરબી ખાતે યોજાયેલી સભામાં કોંગ્રેસ નેતા ડૉ. તુષાર ચૌધરીએ રાજ્યમાં વહેલી ચૂંટણી થવાના એંધાણ આપ્યા હતા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો હતો. એક તરફ મોરબીમાં ખેડૂત આક્રોશ મહાસભા યોજાઈ અને બીજી તરફ રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીની ઘરવાપસીથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ બધા વચ્ચે હાલ ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના પ્રભારી તરુણ ચૂગે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ગુજરાતમાં કોઈ વહેલી ચૂંટણી નથી આવવાની અને બધું જ નિર્ધારિત સમયે જ થશે.

આ મામલે વાત કરતા તરુણ ચૂગે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આગામી ચૂંટણીમાં ભાજપ અગાઉ કરતા પણ વધારે સીટો જીતીને ભવ્ય વિજય મેળવશે. વિપક્ષી નેતાઓના દાવાઓમાં કોઈ દમ નથી તેમ જણાવી તેમણે કહ્યું કે જનતા હવે કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી અને સતત હાર મળી રહી હોવાથી કોંગ્રેસ નેતાઓ હવે ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા છે. એટલું જ નહીં, તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે ચૂંટણીમાં હારના ડરથી તેઓ પીએમ અને દેશના લોકતંત્ર વિશે અપશબ્દો બોલી રહ્યા છે.

તરુણ ચૂગે વધુમાં એવું પણ ઉમેર્યું કે રાહુલ ગાંધી વિદેશી તાકાતોને ખુશ કરવા માટે દેશની છબી ખરાબ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી આજે એક એક્સપાયર ઇન્જેક્શન જેવી બની ગઈ છે જેની જનતા પર કોઈ અસર નથી થતી. સુપ્રીમ કોર્ટ અને દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવવા બદલ કોંગ્રેસ નેતાઓએ દેશની માફી માંગવી જોઈએ તેવી માંગ પણ તેમણે કરી હતી. આમ, ચૂંટણી ભલે સમયસર જ થવાની હોય, પરંતુ આ નિવેદનબાજી અને નેતાઓની આરપારની લડાઈથી ગુજરાતનું રાજકારણ આગામી દિવસોમાં વધુ ગરમાય તે નક્કી છે.

LATEST ARTICLES