ક્રિકેટના મેદાન પર હંમેશા આક્રમક દેખાતા વિરાટ કોહલી અને ફિલ્મી દુનિયાના ચમકારાથી દૂર રહેતી અનુષ્કા શર્માનો એકદમ શાંત અને ભક્તિમય અંદાજ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. મુંબઈમાં યોજાયેલા આ ભવ્ય કીર્તનમાં અમેરિકન સંગીતકાર અને ગાયક કૃષ્ણ દાસે સુંદર પ્રસ્તુતિ આપી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભક્તિ ગીતોના તાલે અનુષ્કા લયમાં ઝૂમતી નજરે પડે છે, તો બીજી બાજુ વિરાટ આંખો બંધ કરીને પૂરા ભક્તિભાવથી સંગીત માણી રહ્યા છે. આ દંપતી માટે આધ્યાત્મિકતા તરફનો આ ઝોક કોઈ નવો નથી, કારણ કે અગાઉ જુલાઈ મહિનામાં પણ તેઓ લંડનમાં આવા જ એક કીર્તનમાં સાથે જોવા મળ્યા હતા. વિરાટ અને અનુષ્કા નીમ કરોલી બાબાના પરમ ભક્ત છે અને અવારનવાર વૃંદાવન જઈને પ્રેમાનંદ મહારાજજીના આશીર્વાદ પણ લેતા રહે છે.
છેલ્લા કેટલાક સમયથી આ ફેમસ કપલ લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે લંડનમાં શાંતિપૂર્ણ જીવન વિતાવી રહ્યું છે. વિરાટ પોતાના પ્રોફેશનલ ક્રિકેટ કમિટમેન્ટ્સ માટે ભારત આવતા રહે છે, જ્યારે અનુષ્કા પણ પોતાના અંગત કામો અને ધાર્મિક મુલાકાતો માટે ભારત આવે છે. આ દંપતીએ તેમના બે બાળકો વામિકા અને અકાયની પ્રાઈવસીને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને હજુ સુધી તેમના ચહેરા મીડિયા સમક્ષ જાહેર કર્યા નથી. એટલું જ નહીં, તેમણે મીડિયા અને પાપારાઝીને પણ વિનંતી કરી છે કે એરપોર્ટ કે અન્ય જગ્યાએ તેમના બાળકોના ફોટા ક્લિક ન કરવામાં આવે.
અનુષ્કાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ પછી તેણે કોઈ મોટી ફિલ્મમાં કામ કર્યું નથી. જોકે, તેણે જાણીતી ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’ નું શૂટિંગ પૂરું કરી લીધું છે, પરંતુ આ ફિલ્મની ફાઇનલ રિલીઝ ડેટ હજુ સુધી સામે આવી નથી. શરૂઆતની કારકિર્દીમાં ‘રબ ને બના દી જોડી’, ‘બેન્ડ બાજા બારાત’, ‘પીકે’ અને ‘સંજુ’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર આ અભિનેત્રી હાલ તો પોતાની પર્સનલ લાઈફ અને આધ્યાત્મિક સફરને ભરપૂર માણી રહી છે.
