રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી વ્યાજખોરીની બીમાર માનસિકતા ફરી એકવાર બે નિર્દોષ જીવ લઈ ગઈ છે. શહેરના ભક્તિનગર વિસ્તારમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. રમેશ ચાવડા અને તેમના પત્ની ભારતી ચાવડા નામના દંપતીએ કોઈ કારણસર પોતાના જ કારખાનામાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંનેના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.
પ્રાથમિક તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ખરેખર આંખ ઉઘાડનારી છે. મૃતક દંપતીએ આર્થિક મુશ્કેલીના સમયે ક્યારેક કોઈની પાસેથી 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ વ્યાજનો રાક્ષસ એવો તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો કે મૂળ રકમ તો દૂર રહી, માત્ર વ્યાજ ચૂકવતા ચૂકવતા દંપતી પાયમાલ થઈ ગયું હતું. શરૂઆતમાં તેઓ રોજનું 42 હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા હતા, પરંતુ સમય જતાં આ વ્યાજ વધીને સીધું 8 લાખ રૂપિયા પર પહોંચી ગયું હતું.
મામલો અહીં જ ન અટક્યો, વ્યાજખોરોની ભૂખ સંતોષાતી ન હોય તેમ હવે આ 8 લાખ રૂપિયાના બદલે રોજના 70 હજાર રૂપિયા વ્યાજ પેટે ચૂકવવાનું અસહ્ય દબાણ કરવામાં આવી રહ્યું હતું. સામાન્ય પરિવાર માટે રોજના આટલા બધા રૂપિયા ચૂકવવા ક્યાંથી શક્ય બને? દંપતી આર્થિક અને માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યું હતું. વ્યાજખોરોના આ ત્રાસથી છૂટકારો મેળવવાનો કોઈ રસ્તો ન દેખાતા આખરે તેમણે મોતને વ્હાલું કરવાનું કમનસીબ પગલું ભર્યું હતું. હાલ તો ભક્તિનગર પોલીસ આ મામલે કડક હાથે તપાસ ચલાવી રહી છે અને કયા કયા વ્યાજખોરોના નામો આ પાછળ સંકળાયેલા છે તેની સઘન પૂછપરછ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
