રાજકોટના લોકોને પીવાના પાણીની ચિંતામાંથી મોટી રાહત મળી રહી છે. શહેરમાં જળસંકટ ઘેરાઈ રહ્યું હતું ત્યારે રાજ્ય સરકારે સમયસર પગલાં લઈને નર્મદાનું પાણી આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ મામલે આજે જ પાણીનું સત્તાવાર સમયપત્રક જાહેર કરવામાં આવશે, જેથી નાગરિકોને ખબર પડી શકે કે ક્યારે અને કેટલું પાણી મળશે. આગામી 2 થી 3 દિવસમાં જ શહેરની જીવાદોરી સમાન આજી 1, ન્યારી 1 અને ભાદર ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત થઈ જશે.
હાલની સ્થિતિ પર નજર કરીએ તો રાજકોટના મુખ્ય ડેમમાં પાણીનો જથ્થો તળિયે જઈ રહ્યો છે. આજી 1 ડેમ 29 ફૂટે છલકાય છે, જેની સામે અત્યારે સપાટી ઘટીને 18.19 ફૂટે પહોંચી છે અને તેમાં માત્ર 28% પાણી જ બચ્યું છે. એવી જ રીતે, 25 ફૂટે છલકાતા ન્યારી 1 ડેમની સપાટી 14.21 ફૂટ છે અને તેમાં 27% પાણી ઉપલબ્ધ છે. ભાદર 1 ડેમની વાત કરીએ તો તે 34 ફૂટે છલકાય છે, જેની સામે માત્ર 15.80 ફૂટ સપાટી રહી છે અને તેમાં માત્ર 17.91% જથ્થો જ બાકી છે. ગણતરી કરીએ તો આજી અને ન્યારી ડેમમાં માંડ 15 દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું હતું.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પ્રથમ તબક્કામાં જાન્યુઆરી મહિના સુધી ચાલે તેટલો પૂરતો જળજથ્થો આપવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં, સ્થાનિક જરૂરિયાતો અને સ્થિતિને જોઈને છેક જુલાઈ માસ સુધી રાજકોટવાસીઓને નિયમિત પાણી મળતું રહે તેની સંપૂર્ણ ખાતરી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. તંત્ર દ્વારા આ બાબતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે અને આજે જ નર્મદાના પાણીનું નવું શિડ્યૂલ બહાર પાડવામાં આવશે.
