ભારતીય રેલવે દેશમાં હાઇ-સ્પીડ ટ્રેન નેટવર્કને વધુ મજબૂત અને વેગવાન બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. આ જ કડીમાં રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદના સાબરમતી ખાતે એક વિશાળ વંદે ભારત મેન્ટેનન્સ હબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ દ્વારા સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોના બીજા તબક્કા હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, જેમાં ટ્રેનોના રિપેરિંગથી લઈને વ્હીલ જાળવણી અને ખાસ સેક્શન શેડ જેવી સુપર-ફાસ્ટ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ વંદે ભારત ટ્રેનોની નાની-મોટી જાળવણી માટે એક જ છત નીચે તમામ સગવડો પૂરી પાડવાનો છે. આ નવી ફેસિલિટીને ખાસ કરીને 24 કોચવાળી વંદે ભારત ટ્રેનોના નિર્ધારિત શૉપ શેડ્યૂલ-I અને શૉપ શેડ્યૂલ-II જાળવણીને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્લાન મુજબ વાત કરીએ તો, 24 કોચવાળી ટ્રેનના મેન્ટેનન્સમાં આશરે 30 થી 45 દિવસનો સમય લાગતો હોય છે. આ સમયરેખાને ધ્યાનમાં રાખતા આ હબ વાર્ષિક ધોરણે આશરે 12 ટ્રેન સેટના શૉપ શેડ્યૂલ-I અથવા તો 8 ટ્રેન સેટના શૉપ શેડ્યૂલ-II ની જાળવણીની જવાબદારી સરળતાથી સંભાળી શકશે.
આ મેન્ટેનન્સ હબમાં માત્ર કોચ જ નહીં, પરંતુ ટ્રેનના વ્હીલ્સ અને એક્સલ રિપેરિંગ માટેનો ખાસ શેડ પણ તૈયાર થઈ ગયો છે, જે આશરે 75 મીટર લાંબો અને 40 મીટર પહોળો છે અને તેનો કુલ વિસ્તાર 32,292 ચોરસ ફૂટ જેટલો છે. આ વ્હીલ શેડ અને તેની સાથે જોડાયેલી બિલ્ડિંગ હવે રેલવેને હેન્ડઓવર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ઉપરાંત અહી લગભગ 6,458 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન બિલ્ડિંગનું કામ પણ પૂરું થઈ ચૂક્યું છે અને તેને પણ રેલવેને સોંપી દેવામાં આવ્યું છે.
સાબરમતી ખાતે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટથી હવે વંદે ભારત ટ્રેનોના કોચ, ઇલેક્ટ્રિકલ સાધનો અને વ્હીલ્સનું સમારકામ એક જ લોકેશન પર થઈ શકશે. રેલવે એક્સપર્ટ્સનું માનીએ તો આનાથી પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગની આધુનિક ટ્રેનો સંભાળવાની ક્ષમતામાં મોટો વધારો થશે અને સમયની સાથેસાથે ખર્ચની પણ મોટી બચત થશે. સામાન્ય મુસાફરો માટે આ ગર્વની વાત છે કે ગુજરાત હવે દેશના હાઇ-સ્પીડ રેલવે મેન્ટેનન્સનું એક મોટું સેન્ટર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
