ક્રિકેટના મેદાન પર ક્યારે શું થાય અને કઈ બાજી ક્યારે પલટાઈ જાય તે કોઈ કહી શકતું નથી. તાજેતરમાં જ પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે કંઈક આવું જ અદ્ભુત કારનામું કરીને બતાવ્યું છે. મેચમાં પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 241 રન સુધી જ પહોંચી શકી હતી, જેમાં બેન ડકેટના શાનદાર 105 રન સામેલ હતા. ઈંગ્લેન્ડે આપેલા આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત એટલી ખરાબ રહી કે એક સમયે ટીમ માત્ર 154 રનમાં પોતાના 9 મહત્ત્વના ખેલાડીઓ ગુમાવી ચૂકી હતી. પાકિસ્તાનની હાર નિશ્ચિત જ લાગતી હતી, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે અને તે ફરી એકવાર સાબિત થઈ ગયું.
હારના આરે ઉભેલી પાકિસ્તાની ઇનિંગ્સને શાદાબ ખાને એકલા હાથે સંભાળી લીધી. તેણે શિસ્તબદ્ધ અને આક્રમક બેટિંગ કરતા શાનદાર અણનમ 113 રનની પારી રમી અને ટીમને હારના મુખમાંથી બહાર કાઢીને વિજય અપાવ્યો. આ જીતમાં સાથ આપ્યો ફાસ્ટ બોલર હરિસ રઉફે. શાદાબ અને હરિસ રઉફે મળીને છેલ્લી વિકેટ માટે એવું રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ કર્યું કે જે વનડે ક્રિકેટના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. આ બંને ખેલાડીઓની કમાલથી મેચનું પાસું જ બદલાઈ ગયું અને ઈંગ્લેન્ડના હાથમાંથી જીત સરકી ગઈ.
મેચ પૂરી થયા બાદ જ્યારે લાઈવ ટીવી પર શાદાબ ખાનને પૂછવામાં આવ્યું કે જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે બેટિંગ કરવા ઉતરતી વખતે હરિસ રઉફ સાથે શું વાતચીત થઈ હતી? આ સવાલના જવાબમાં શાદાબે મસ્તીભર્યા અંદાજમાં કહ્યું કે, હરિસ રઉફ સાથે મેં શું ચેટ કરી કે શું વાત થઈ, તે હું લાઈવ ટીવી પર ખુલ્લેઆમ કહી શકું તેમ નથી. તેના આ હસતા હસતા આપેલા જવાબે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે અને ચાહકો આ જોડીના વખાણ કરતા થાકતા નથી.
