અમદાવાદ શહેરમાં હવે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ રહી છે, પણ સાથેસાથે એક ચિંતાજનક સમાચાર પણ સામે આવી રહ્યા છે. ચોમાસુ અને નવરાત્રિની ધમાલ પૂરી થયા બાદ હવે હવામાં પ્રદૂષણનું પ્રમાણ સડસડાટ વધવા લાગ્યું છે. શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI હવે 109 પર પહોંચી ગયો છે. નિયમ પ્રમાણે 50થી ઓછો ઈન્ડેક્સ સારો અને 51થી 100 સુધીનો સંતોષકારક ગણાય છે, પરંતુ જેવો આ આંકડો 100 વટાવે કે સીધી જ મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. હાલની આ હવા મધ્યમ શ્રેણીમાં પ્રવેશી ચૂકી છે જે તંત્ર અને નાગરિકો બંને માટે ચિંતાનો વિષય છે.
શહેરના અલગ-અલગ વિસ્તારોની વાત કરીએ તો રાયખડમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર છે. અહીં AQI સૌથી વધુ 196 નોંધાયો છે, જે સીધો જ ખરાબ હવા એટલે કે પુઅર કેટેગરીની નજીક પહોંચી ગયો છે. આ ઉપરાંત સેટેલાઈટ વિસ્તારમાં 168, પીરાણામાં 126 અને એરપોર્ટ વિસ્તારમાં 118 જેટલો AQI નોંધાયો છે. રખિયાલ અને ચાંદખેડામાં પણ આ આંકડો 103 પર છે. હા, એટલું જરૂર છે કે નવરંગપુરામાં 90 અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 83 ઈન્ડેક્સ નોંધાયો છે, જ્યાં હજુ પણ રાહત છે અને હવા પ્રમાણમાં શુદ્ધ છે.
શિયાળો બેસતાની સાથે જ તાપમાનમાં ઘટાડો થાય છે અને વાહનોનો ધુમાડો તથા ધૂળના રજકણો વાતાવરણમાં નીચેના ભાગમાં જમા થઈ જાય છે. આ કારણોસર પ્રદૂષણ ઝડપથી ફેલાય છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ પ્રદૂષિત હવાની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. ખાસ કરીને અસ્થમા અથવા શ્વાસના દર્દીઓ, નાના બાળકો અને વયસ્કો માટે આ સમય જોખમી સાબિત થઈ રહ્યો છે. પ્રદૂષણ વધવાને કારણે હોસ્પિટલોમાં પણ શ્વાસની તકલીફ લઈને આવતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જેથી નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે.
