અમેરિકા અને ઈરાન વચ્ચેનો ખેલ હવે એકદમ રોમાંચક અને એટલો જ ખતરનાક મોડ પર આવી ગયો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અત્યારે બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે કે ઈરાન સાથે શાંતિપૂર્વક કોઈ ડીલ કરવી કે પછી સૈન્ય હુમલાઓ વધારીને આ લફરું હંમેશા માટે પૂરું કરી દેવું. હોરમુઝ સ્ટ્રેટ પાસે જહાજો પર સતત વધી રહેલા હુમલાઓને કારણે મામલો ગરમાયો છે અને હવે ગમે ત્યારે કોઈ મોટો નિર્ણય લેવાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકાએ સાવચેતીના ભાગરૂપે મિડલ ઈસ્ટના કેટલાક વિસ્તારોમાંથી પોતાનો સ્ટાફ પણ ઓછો કરવાનું શરૂ કરી દીધું છે.
આ મામલો માત્ર બે દેશો પૂરતો સીમિત નથી, પણ આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે. સવાલ એ થાય છે કે શું આ યુદ્ધના કારણે ઓઇલના ભાવ આસમાને પહોંચશે અને લાંબો સમય મુશ્કેલી ઊભી કરશે? શું ભારત સહિત આખી દુનિયાની ઇકોનોમી અને શેર માર્કેટ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે? બીજી બાજુ અમેરિકામાં મિડટર્મ ઇલેક્શન અને ઇઝરાયેલમાં પણ ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેને કારણે રાજકીય અનિશ્ચિતતા વધુ ઘેરી બની છે.
જ્યારે પણ અમેરિકા અને ઈરાન વચ્ચે આવો તણાવ વધે છે, ત્યારે તેની સીધી અસર ગ્લોબલ માર્કેટ, ક્રૂડ ઓઇલ અને બોન્ડ યીલ્ડ પર જોવા મળે છે. દુનિયાભરના બજારોનું ભાવિ અત્યારે આ રાજકીય અને સૈન્ય નિર્ણયો પર અટકેલું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટ્રમ્પ આ બેમાંથી કયો રસ્તો પસંદ કરે છે અને તેનાથી દુનિયાના બજારો તથા દેશો પર શી અસર પડે છે. સામાન્ય માણસથી લઈને મોટા બિઝનેસમેનોની નજર અત્યારે વ્હાઇટ હાઉસના આગામી પગલા પર ટકેલી છે.
