JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું આંદોલન સમેટાયું, પ્રશાસન સાથે સમજૂતી બાદ સ્ટુડન્ટ્સ યુનિયન ચૂંટણીનો રસ્તો સાફ

Oct 26, 2026 | 07:30 | By JAMNAGAR MIRROR
જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું આંદોલન સમેટાયું, પ્રશાસન સાથે સમજૂતી બાદ સ્ટુડન્ટ્સ યુનિયન ચૂંટણીનો રસ્તો સાફ
જામિયા મિલિયા ઇસ્લામિયામાં સ્ટુડન્ટ્સ યુનિયનના પુનરુત્થાનની માંગ સાથે ચાલી રહેલું આંદોલન આખરે યુનિવર્સિટી પ્રશાસન સાથેની સમજૂતી બાદ પૂરું થઈ ગયું છે. પ્રશાસન દ્વારા તમામ શિસ્તભંગના પગલાં પાછા ખેંચી લેવાની ખાતરી આપવામાં આવી છે અને સંવિધાન મંજૂર થયાના 15 દિવસમાં ચૂંટણી યોજાશે.

છેલ્લા લગભગ 2 અઠવાડિયાથી જામિયા મિલિયા ઇસ્લામિયા કેમ્પસમાં ગરમાગરમીનું વાતાવરણ હતું, જે હવે શાંત પડી ગયું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લાંબા સમયથી સ્ટુડન્ટ્સ યુનિયન (JMISU) ફરીથી શરૂ કરવાની માંગ સાથે અડગ બેઠા હતા. આ આંદોલન ધીમે ધીમે વધુ ઉગ્ર બન્યું હતું અને વાત અહીં સુધી પહોંચી હતી કે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI) મુજબ 4 જેટલા વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા, જ્યારે એક PhD સ્કોલર ગુલિસ્તાન-એ-ગાલિબ લોન ખાતે અનિશ્ચિત મુદતના ધરણા પર બેઠા હતા. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે કેમ્પસમાં વર્ષ 2006થી સ્ટુડન્ટ્સ યુનિયન માટે કોઈ ચૂંટણી જ યોજાઈ નથી, જેથી લોકશાહી ઢંગથી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ હોવું ખૂબ જરૂરી છે.

આ મામલે આખરે યુનિવર્સિટી પ્રશાસન અને આંદોલનકારી વિદ્યાર્થીઓ વચ્ચે સુખદ અંત આવ્યો છે. રજિસ્ટ્રાર દ્વારા જારી કરાયેલા ઓર્ડર મુજબ, બંને પક્ષો વચ્ચે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ એટલે કે પરસ્પર સમજૂતી સધાઈ છે અને આંદોલનને તાત્કાલિક અસરથી સમેટાઈ લેવામાં આવ્યું છે. આ સમજૂતી હેઠળ સૌથી મોટો નિર્ણય એ લેવાયો છે કે યુનિવર્સિટીના સંવિધાનને મંજૂરી મળ્યા બાદ આગામી 15 દિવસની અંદર સ્ટુડન્ટ્સ યુનિયન માટેની ચૂંટણી યોજવામાં આવશે. આ સાથે જ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ સામે જે સસ્પેન્શન કે શો-કોઝ નોટિસ જેવા શિસ્તભંગના પગલાં લેવાયા હતા, તે પણ પ્રશાસને પાછા ખેંચી લીધા છે.

આ સમજુતીમાં એક શરત એવી પણ છે કે આંદોલન દરમિયાન પ્રશાસન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અથવા નિવેદનોમાં જે વાંધાજનક ટિપ્પણીઓ થઈ હતી, તે બદલ વિદ્યાર્થીઓ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરમાં માફી માંગશે. આ સિવાય, આંદોલન દરમિયાન સિક્યુરિટી પર્સનલ દ્વારા જે પણ એક્શન લેવામાં આવ્યા હતા તેની તપાસ માટે એક ખાસ કમિટીની પણ રચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ પૂરી થતાં કેમ્પસમાં હવે રાહતનો શ્વાસ લેવાયો છે અને માહોલ સામાન્ય બની ગયો છે.

LATEST ARTICLES