આજે રવિવારની સાંજે દિલ્હીના નોર્થ ઈસ્ટ વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હર્ષ વિહાર વિસ્તારમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું અને અચાનક તેનું સ્લેબ તૂટી પડતા ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આખું મકાન નીચે બેસી ગયું અને તેની અંદર હાજર 2 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફસાયેલા લોકોમાં એકની ઉંમર 60 વર્ષ અને બીજાની ઉંમર 36 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોની ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે આ ઘટના બાદ બંનેના મોબાઈલ ફોન પર સંપર્ક થઈ શક્યો નહોતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્ર તરત જ હરકતમાં આવી ગયું હતું. રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક NDRF ની ટીમને પણ કામે લગાડવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે કાટમાળ હટાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આસપાસના લોકોની ભારે ભીડ પણ સ્પોટ પર એકઠી થઈ ગઈ છે અને બધા લોકો ફસાયેલા નાગરિકોના હેમખેમ હોવાની પ્રાર્થના કરી રહ્યા છે.
પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના પાછળ બાંધકામની નબળી ગુણવત્તા કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે તો રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ તો પ્રશાસનનું આખું ધ્યાન કાટમાળ નીચે દબાયેલા બંને વ્યક્તિઓને જીવતા બહાર કાઢવા પર જ કેન્દ્રિત છે. પરિવારજનોની આંખોમાં આંસુ છે અને તેઓ બસ ચમત્કારની રાહ જોઈ રહ્યા છે કે તેમના સ્વજનો સહીસલામત મળી જાય. સુરક્ષા એજન્સીઓ પણ કોઈ કસર છોડ્યા વગર ઝડપથી કાટમાળ ખસેડવામાં લાગેલી છે.
