કાનૂની લડાઈઓ ઘણીવાર માણસને પાયમાલ કરી દેતી હોય છે, પણ કેન્સાસથી એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે જાણીને તમે પણ ચોંકી જશો. સ્કોટ એલ. હેલ નામના વ્યક્તિના ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન તે કોઈક કારણસર જેલની હવા ખાતો હતો. હવે લોચો ત્યાં પડ્યો કે પ્રોપર્ટી વહેંચણી અંગેની જે મહત્વની સુનાવણી હતી, તે જ દિવસે સ્કોટ જેલની અંદર બંધ હતો અને તે કોર્ટમાં પહોંચી જ ન શક્યો. બિચારો સ્કોટ પોતાની હાજરી જ ન નોંધાવી શક્યો, તો પછી પ્રોપર્ટીના ભાગલા બાબતે પોતાના વિરોધ કે દલીલો કોર્ટ સામે કેવી રીતે રજૂ કરે?
ટ્રાયલ જજે સ્કોટની ગેરહાજરીને ધ્યાનમાં લીધા વગર જ એકતરફી ચુકાદો આપી દીધો અને આ ચુકાદામાં સ્કોટે પોતાનું ઘર પણ ગુમાવવું પડ્યું. જે માણસ પોતાની વાત મૂકવા માટે કોર્ટમાં હાજર જ નહોતો રહી શક્યો, તેની મિલકત છીનવાઈ ગઈ. આ બાબતે સ્કોટે હાર ન માની અને ઉપરની અદાલતમાં અપીલ કરી. કેન્સાસની અપીલેટ કોર્ટે સમગ્ર મામલાની ગંભીરતા સમજી અને સ્કોટની દલીલો સાંભળી. કોર્ટે માન્યું કે સ્કોટને પોતાનો પક્ષ રજૂ કરવાની કે બચાવ કરવાની યોગ્ય તક જ આપવામાં નહોતી આવી.
આ આખો મામલો અદાલતના નિયમો અને ન્યાયના સિદ્ધાંતો સામે સવાલ ઊભો કરતો હતો, તેથી અપીલ કોર્ટે અગાઉનો તમામ પ્રોપર્ટી ડિવોર્સનો ચુકાદો રદબાતલ જાહેર કરી દીધો છે. આ સાથે જ કેસને ફરીથી નીચલી કોર્ટમાં મોકલી આપવામાં આવ્યો છે, જ્યાં હવે નવા सिरेથી સુનાવણી હાથ ધરાશે અને સ્કોટને પણ પોતાની વાત રાખવાનો પૂરો મોકો મળશે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે કાયદાની આંખ ભલે બંધ હોય, પણ સાચા ન્યાય માટે અવાજ ઉઠાવવામાં આવે તો મોડે મોડે પણ ઇન્સાફ મળી જ રહે છે.
