વિશ્વની સૌથી મોટી એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક એવા થેલેસ ગ્રૂપના CEO પેટ્રિસ કેને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતની ટેકનિકલ ક્ષમતાઓ અને સપ્લાયર્સનું નેટવર્ક હવે આગામી જનરેશનના આધુનિક હથિયારો વિકસાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. દુનિયાભરમાં રફેલ ફાઈટર જેટ્સથી લઈને સાયબર સિક્યોરિટી અને સ્પેસ ડોમેઈન સુધી પોતાની આગવી ઓળખ ધરાવતી આ કંપની હવે ભારતીય માર્કેટ સાથેના સંબંધોને એકદમ નવા લેવલ પર લઈ જવાના મૂડમાં છે. છેલ્લા 5 વર્ષમાં જ કંપનીનું ભારતમાંથી સોર્સિંગ 1.2 અબજ યુરોને પાર કરી ચૂક્યું છે, જે આ વાતની સાક્ષી પૂરે છે કે ભારત કંપની માટે કેટલું ખાસ બની ગયું છે.
આજે માત્ર પ્રોડક્શન જ નહીં, પરંતુ ટેકનોલોજીનું ટ્રાન્સફર અને ડિઝાઈન ઓથોરિટી પણ ભારતને સોંપવાની દિશામાં થેલેસ ગ્રૂપ ગંભીરતાથી વિચારી રહ્યું છે. કંપનીનું પ્લાનિંગ એવું છે કે ભારતીય સપ્લાયર્સ માત્ર પાર્ટ્સ બનાવનાર બનીને ન રહે, પરંતુ અદભુત રડાર અને મિસાઈલ સિસ્ટમ્સના મેકિંગમાં સીધા ભાગીદાર બને. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્પેસ લોન્ચિંગને લઈને આવનારા સમયમાં પડકારો ઊભા થઈ શકે તેમ છે, જેને ધ્યાનમાં રાખીને થેલેસ ગ્રૂપ ભારતીય સ્પેસ લોન્ચ ફર્મ્સો સાથે નવી પાર્ટનરશિપની સંભાવનાઓ પણ તપાસી રહ્યું છે. વર્ષ 2029 સુધીમાં ગ્લોબલ સ્પેસ લોન્ચિંગની શોર્ટેજ સામે લડવા માટે ભારતીય ક્ષમતા કંપની માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
ડિફેન્સ સેક્ટરના જાણકારો માને છે કે વૈશ્વિક સ્તરે ભારત હવે માત્ર ખરીદનાર દેશ નથી રહ્યો, પરંતુ સપ્લાય ચેઈન અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યો છે. થેલેસ ગ્રૂપ જેવા ગ્લોબલ જાયન્ટ્સનો આ વિશ્વાસ સાબિત કરે છે કે મેક ઈન ઈન્ડિયા અને આત્મનિભર ભારત અભિયાન હવે વૈશ્વિક સ્તરે ધાક જમાવી રહ્યું છે. આવનારા દિવસોમાં ભારતમાંથી માત્ર ડિફેન્સ પાર્ટ્સ જ નહીં, પણ એકદમ હાઈ-ટેક વેપન્સ ડિઝાઈન થઈને આખી દુનિયામાં એક્સપોર્ટ થશે, જે દેશના અર્થતંત્ર અને રોજગારી માટે પણ ખૂબ મોટા સમાચાર છે.
