વડોદરાના અકોટા વિસ્તારમાં શ્રી સુધાકર જોષી મેમોરિયલ લેકચર અંતર્ગત ભારતનું ધાર્મિક બંધારણ વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ જે. સાંઇ દિપકે હાજરી આપી હતી અને ખૂબ જ બેબાક અંદાજમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિ એ દેશનો પાયો છે અને બંધારણ એના પર ઊભેલું એક મજબૂત માળખું છે. જો પાયો જ ન રહે, તો પછી માળખું કેવી રીતે સલામત રહી શકે? કાશ્મીર અને પૂર્વ ભારતના ઉદાહરણો આપીને તેમણે સમજાવ્યું કે જ્યાં-જ્યાં સંસ્કૃતિનો વિસ્તાર સંકોચાયો છે, ત્યાં-ત્યાં બંધારણીય વ્યવસ્થાઓ પણ જોખમમાં મૂકાઈ છે.
પોતાના વક્તવ્યમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અહીં કોઈ સરકાર કે રાજકીય પક્ષનો બચાવ કરવા નથી આવ્યા, પરંતુ તેમના સ્વતંત્ર વિચારો રજૂ કરી રહ્યા છે. સત્તામાં કોઈપણ પક્ષ હોય, તેની નીતિગત નિષ્ફળતાઓ માટે તેને જવાબદાર ઠેરવવો જ જોઈએ અને જ્યાં ટીકા કે પ્રશંસા જરૂરી હોય તે થવી જ જોઈએ. પરંતુ, આ નિષ્ફળતાઓનું બહાનું ધરીને ગેરબંધારણીય રીતે સત્તા પલટો કરાવવો કે દેશના મૂળ માળખાને તોડી પાડવું તે યોગ્ય નથી. જો આપણે વિવાદો ઉકેલવાના બંધારણીય માધ્યમો જ તોડી નાખીશું, તો પછી ઝઘડાઓ ઉકેલવા રસ્તા પર જવું પડશે તેવી ગંભીર ટકોર પણ તેમણે કરી હતી.
આગામી સમયના પડકારો વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે આગામી 10 થી 15 વર્ષમાં દેશ સામે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ અને રોજગારીના મોરચે મોટા પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ ટેકનોલોજીના કારણે નોકરીઓનું સ્વરૂપ બદલાશે અને બેરોજગારી વધતા યુવાનોમાં અસંતોષ તથા આક્રોશ ફેલાઈ શકે છે. દેશની પ્રગતિની વિરુદ્ધમાં કામ કરનાર વિરોધીઓ આવા અસંતુષ્ટ લોકોને પોતાના સ્વાર્થ માટે મોટો મોકો બનાવી શકે છે, તેથી આપણે અત્યારથી જ સાચેત રહેવું પડશે. આ સુંદર કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી નચીકેતા જોષીએ સ્વ. સુધાકર જોષીના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો યાદ કર્યા હતા, જ્યારે અંતમાં ચૈતન્ય જોષી અને તુષાર વ્યાસે ઉપસ્થિત સૌ меmbеrsનો આભાર માન્યો હતો.
