ગોધરા પંથકમાં કુદરતી સંપત્તિને લૂંટતા તત્વો સામે ખાણ ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર છાપરી ગામ પાસેથી વહેતી મહીનદીના પટમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે સફેદ રેતીનું ખનન અને વહન ધમધમી રહ્યું હોવાની પાકી બાતમી વિભાગને મળી હતી. આ બાતમીના આધારે ખાણ ખનિજ વિભાગની સખી ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે નદીના પટમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો, જેના કારણે રેતી ચોરી કરતા તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી.
આ દરોડા દરમિયાન ટીમ દ્વારા સ્થળ પર જ તપાસ હાથ ધરવામાં આવતા મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ હતી. રેડમાં નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને જઈ રહેલા 2 ટ્રેક્ટર તેમજ નદીના પેટાળમાંથી રેતી બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતી 3 નાવડીઓ રંગેહાથ ઝડપાઈ આવી હતી. વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ તમામ 2 ટ્રેક્ટર અને 3 નાવડીઓ સહિત કુલ રૂપિયા 15 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.
આ સફળ દરોડા બાદ ખાણ ખનિજ વિભાગ દ્વારા રેતી ચોરી સાથે સંકળાયેલા તમામ સંબંધિત ઇસમો સામે કાયદેસરની સખત દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અચાનક થયેલી આ લાલચોળ કાર્યવાહીના કારણે મહીનદી કિનારે ગેરકાયદેસર ખનિજનું વહન અને ખનન કરનારા માફીયાઓમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે, અને આગામી દિવસોમાં પણ આવાં ઓપરેશન ચાલુ રહેશે તેવી લોકચર્ચા જાગી છે.
