JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પુરી-અમદાવાદ ટ્રેનમાં રેલવે પોલીસનું ચેકિંગ, બાથરૂમ પાસેથી મળી આવ્યો લાખોનો ગાંજો

Oct 26, 2026 | 03:05 | By JAMNAGAR MIRROR
પુરી-અમદાવાદ ટ્રેનમાં રેલવે પોલીસનું ચેકિંગ, બાથરૂમ પાસેથી મળી આવ્યો લાખોનો ગાંજો
ભરૂચ રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી અંદાજે રૂા.2.93 લાખની કિંમતનો 5 કિલોથી વધુ ગાંજો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. વડોદરા પશ્ચિમ રેલવે પોલીસની SOG ટીમે આ જથ્થો કબજે કરીને અજાણ્યા શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મુસાફરોથી ભરેલી ટ્રેનમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. વાત જાણે એમ છે કે, વડોદરા પશ્ચિમ રેલવે પોલીસની SOGના સુરત કેમ્પની ટીમ સુરત રેલવે સ્ટેશનથી પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈને પેટ્રોલિંગ કરી રહી હતી. સુરતથી નીકળેલી આ ટ્રેન જ્યારે ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર આવીને ઊભી રહી, ત્યારે રેલવે પોલીસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને કોચમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની આ સતર્કતાથી ટ્રેનમાં અંદર બેઠેલા શંકાસ્પદોમાં દોડધામ મચી ગઈ હતી.

ચેકિંગ દરમિયાન ટ્રેનના ગાર્ડ તરફના વિકલાંગ કોચની બાજુના જનરલ કોચમાં તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોચના બે બાથરૂમની વચ્ચે એક શંકાસ્પદ બેકપેક એકદમ બિનવારસી હાલતમાં પડીલું હતું. પોલીસે આસપાસ બેઠેલા મુસાફરોની સઘન પૂછપરછ કરી હતી, પરંતુ આ બેગ કોની છે તે અંગે કોઈ કશુ જ બોલવા તૈયાર નહોતું. કોઈ જ માલિક ન મળતા પોલીસે શંકાના આધારે બેગ ખોલીને તપાસી હતી, જેમાંથી વનસ્પતિજન્ય પદાર્થનાં ચાર શંકાસ્પદ બંડલ મળી આવ્યા હતા.

બિનવારસી હાલતમાં મળેલી આ બેગને તરત જ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને ત્યારબાદ FSLની ટીમને બોલાવીને તેની વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવી હતી. FSLના પરીક્ષણમાં બહાર આવ્યું કે આ પદાર્થમાં કેનાબીસના સક્રિય ઘટકો છે, એટલે કે તે પાક્કો ગાંજો જ હતો. પોલીસે આ ગાંજાનું વજન કરતા કુલ 5 કિલો 877 ગ્રામ જથ્થો બહાર આવ્યો હતો. માર્કેટમાં પ્રતિ કિલો રૂા.50 હજારના અંદાજિત ભાવ પ્રમાણે આ કિંમત રૂા.2.93 લાખથી પણ વધુ થવા જાય છે. હાલ તો ભરૂચ રેલવે પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી દીધી છે અને આટલો મોટો ગાંજાનો જથ્થો કોણે અને કયા કાળા હેતુથી ટ્રેનમાં મૂક્યો હતો તે જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ અને અન્ય માહિતીના આધારે સઘન તપાસ શરૂ કરી છે.

LATEST ARTICLES