અંકલેશ્વર શહેરમાં આજકાલ નાગરિકો માટે ઘરની બહાર નીકળવું જ મુશ્કેલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રસ્તાઓ પર સતત ઊડતી ધૂળ અને કચરાના ગંજથી લોકો પરેશાન છે, તો બીજી તરફ શહેરના હાર્દસમા ગણાતા ત્રણ રસ્તા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યાના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં અનેક જગ્યાએ કચરાના ढગ અને ધૂળના ગોટેગોટા ઉડતા જોવા મળે છે, જેના કારણે સફાઈની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
શહેરના સૌથી વ્યસ્ત વિસ્તાર ગણાતા ત્રણ રસ્તા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અગાઉ નગરપાલિકાના ચીફ ઓફ્સિર અને પ્રમુખ દ્વારા મીડિયા સમક્ષ મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા કે ટ્રાફિક સમસ્યા જલદી દૂર થશે. જોકે જમીની હકીકત કંઈક અલગ જ છે. શાક માર્કેટ તરફ જતા એક તરફના માર્ગ પર વાહનોના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકજામની સ્થિતિ કાયમી બની ગઈ છે. સૌથી નવાબી વાત તો એ છે કે આ જ સર્કલ પર પોલીસનો ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં બેફામ રીતે પાર્ક થતા વાહનો સામે કોઈ જ સખત કાર્યવાહી કરવામાં આવતી નથી.
શહેરમાં માત્ર ટ્રાફિક જ નહીં, પરંતુ રસ્તાઓ પર ઊડતી ધૂળ પણ નાગરિકો અને ખાસ કરીને વાહનચાલકો માટે મોટી આફત બની ગઈ છે. ધૂળના કારણે આંખોમાં કચરો જવો અને શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા હવે એ જ માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર માત્ર કાગળ પર નહીં, પરંતુ જમીન પર કામ કરે અને રસ્તાઓની નિયમિત સફાઈની સાથે ધૂળ નિયંત્રણ માટે કોઈ કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી પ્રજાને આ હાલાકીમાંથી કાયમી મુક્તિ મળે.
