JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

બોરસદના નિસરાયાથી વલાસણ મેલડી માંના ધામે ભવ્ય પદયાત્રા, 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા

Oct 26, 2026 | 01:05 | By JAMNAGAR MIRROR
બોરસદના નિસરાયાથી વલાસણ મેલડી માંના ધામે ભવ્ય પદયાત્રા, 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા
શરદપૂર્ણિમાના પાવન અવસરે બોરસદના નિસરાયાથી વલાસણ મેલડી માતાજીના મંદિર સુધી નીકળેલી 28 કિલોમીટરની પદયાત્રામાં માનવમહેરામણ ઉમટ્યો હતો. 52 ગજની ધજા અને ડીજેના તાલે ગામેગામથી 10 હજારથી વધુ ભક્તો સ્વયંભુ જોડાઈને ચરોતરમાં એક ઇતિહાસ રચ્યો હતો, જેમાં 86 વર્ષીય એનઆરઆઈ મેકદાદાનું વિશેષ આકર્ષણ રહ્યું હતું.

ચરોતરની ધરતી પર હાલ ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. બોરસદ તાલુકાના નિસરાયા ગામથી રવિવારે વહેલી સવારે 8 વાગ્યે માં મેલડીના ધામ વલાસણ જવા માટે એક વિશાળ પગપાળા સંઘ નીકળ્યો હતો. બોરસદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વિજયસિંહ રાજ અને યુવાનોની ટીમ દ્વારા આયોજિત આ પદયાત્રા બોરસદના ઇતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાઈ જાય તેવી ભવ્ય રહી હતી. નિસરાયા ગામના તળાવ પાસેના ચોકથી શરૂ થયેલી આ યાત્રા બોરસદ શહેરના એસટી બસ સ્ટેન્ડ થઈને દેદરડા, નાપા, મેઘવા અને ગાના ગામોના માર્ગેથી પસાર થઈ હતી. લગભગ 28 કિલોમીટરનું લાંબું અંતર પગપાળા કાપીને આ સંઘ બપોરે 1.30 વાગ્યે કરમસદ નગર થઈને વલાસણ ખાતેના સુપ્રસિદ્ધ મેલડી માતાજીના મંદિરે પહોંચ્યો હતો.

આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેમાં કોઈ એક વર્ગ નહીં, પરંતુ ગામેગામના યુવાનો, માતા-બહેનો, વડીલો અને વયોવૃદ્ધો સહિત કુલ 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ સ્વયંભુ જોડાયા હતા. ડીજેના તાલે, માતાજીના જયઘોષ સાથે અને હાથમાં 52 ગજની વિશાળ ધજા લઈને ચાલી રહેલા ભક્તોના કારણે આખો માર્ગ યાત્રામય અને મંત્રમુગ્ધ કરનારો બની ગયો હતો. રસ્તામાં પડતા નાપા ગામે ડેપ્યુટી સરપંચ વહીદ કાજી સહિતના ગ્રામજનોએ યાત્રાનું અને તેમાં ખાસ ઉપસ્થિત રહેલા અતિથિનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બોરસદ શહેરમાંથી જ્યારે આ વિશાળ સંઘ પસાર થયો ત્યારે ઠેર ઠેર ટ્રાફિકજામ જેવું દ્રશ્ય સર્જાયું હતું અને લોકોએ પુષ્પવર્ષા કરીને પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું.

આ યાત્રામાં સૌના માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા 86 વર્ષીય મેકદાદા. નિસરાયા ગામના વતની એવા મેકદાદાએ અમેરિકાની ધરતી પર ઉદ્યોગ સ્થાપીને ઇતિહાસ રચ્યો હતો અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ઓલ રાઉન્ડર સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો હતો. આ વયે પણ તેઓ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આખી પદયાત્રામાં જોડાયા હતા અને વલાસણ મંદિરે પહોંચીને માતાજીની આરતી કરી 52 ગજની ધજા ચઢાવીને ધન્યતા અનુભવી હતી.

આયોજકો દ્વારા પદયાત્રામાં આવેલા હજારો શ્રદ્ધાળુઓની સગવડ માટે પીવાનું પાણી, છાશ તેમજ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સવાનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વલાસણ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. શરદપૂર્ણિમાના પાવન પર્વે યોજાયેલી આ ભવ્ય યાત્રાની ચર્ચા માત્ર બોરસદ તાલુકામાં જ નહીં, પરંતુ સમગ્ર આણંદ અને ખેડા જિલ્લા સહિત આખા ચરોતર પ્રદેશમાં થઈ રહી છે. આ ધાર્મિક આયોજનની સાથેસાથે આણંદ જિલ્લાના રાજકીય બેડામાં પણ આ યાત્રાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ છે.

LATEST ARTICLES