JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ચરમસીમાએ: ત્રણ ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી

Nov 08, 2026 | 18:15 | By JAMNAGAR MIRROR
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ચરમસીમાએ: ત્રણ ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી
મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે, જ્યાં હોર્મુઝ સ્ટ્રેટમાં નિયમોના ભંગ બદલ ત્રણ ઓઈલ ટેન્કરો પર હુમલો થતાં ભારે આગ લાગી છે. આ ઘટના બાદ ઈરાને અમેરિકાને આક્રમક વળતા પ્રહાર કરવાની કડક ચેતવણી ઉચ્ચારી છે.

વિશ્વના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ફરી એકવાર ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના દાવા મુજબ, આ જળમાર્ગને પાર કરી રહેલા ત્રણ મોટા તેલ ટેન્કરો રહસ્યમય સંજોગોમાં વિસ્ફોટનો ભોગ બન્યા હતા, જેના કારણે જહાજોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. ઈરાની સૈન્યનું કહેવું છે કે આ જહાજોએ આંતરરાષ્ટ્રીય અને દરિયાઈ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું હતું અને નિર્ધારિત સુરક્ષા માર્ગથી ભટકવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની વિગતો આપતા IRGC નૌકાદળે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે રવિવાર સવારથી બનેલી આ સનસનાટીભરી ઘટનામાં સામેલ ઓઈલ ટેન્કરો પરવાનગી વગર હોર્મુઝના પ્રતિબંધિત વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. એટલું જ નહીં, આ જહાજોએ પોતાની ઓળખ છુપાવવા માટે તેમની નેવિગેશન અને આઈડેન્ટિફિકેશન સિસ્ટમ્સ પણ બંધ કરી દીધી હતી. ઈરાને આ ગંભીર ઘટના માટે સીધી રીતે યુએસ લશ્કરી કાર્યવાહી અને ગતિવિધિઓને દોષી ઠેરવી છે. સૈન્ય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ જળમાર્ગમાંથી પસાર થતી તમામ વેપારી નૌકાઓને અગાઉથી જ કડક નિયમોથી અવગત કરાવવામાં આવી છે, અને નિયમો તોડનારાઓને ગંભીર પરિણામો ભોગવવા જ પડશે.

આ દરિયાઈ તણાવની વચ્ચે ઈરાને અમેરિકા સામે આક્રમક તેવર અપનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈપણ સંજોગોમાં પાછળ હટશે નહીં. IRGCના પ્રવક્તા મોહબાયીએ ફાર્સ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી તેમજ આર્થિક મોરચે સંઘર્ષ સતત ચાલુ જ છે. તેમણે અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે જો યુદ્ધ દરમિયાન યુએસ સેના દ્વારા કોઈપણ ઈરાની જહાજને નિશાન બનાવવામાં આવશે કે નુકસાન પહોંચાડવામાં આવશે, તો ઈરાન બે હાથ હેઠા રાખીને નહીં બેસે પરંતુ તેનાથી પણ વધુ તાકાત અને જોરશોરથી વળતો પ્રહાર કરશે.

LATEST ARTICLES