JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

રાજકોટ સહકારી ક્ષેત્રમાં જૂથવાદનો ખેલ: ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂકો અધ્ધરતાલ

Oct 25, 2026 | 20:08 | By JAMNAGAR MIRROR
રાજકોટ સહકારી ક્ષેત્રમાં જૂથવાદનો ખેલ: ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂકો અધ્ધરતાલ
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પૂરી થયાને 2 મહિના વીતવા છતાં પદાધિકારીઓની વરણી નથી થઈ. ભાજપના આંતરિક વિખવાદને કારણે સહકારી ક્ષેત્રની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે અને આગામી દિવાળી સુધી પણ મામલો થસકે તેમ નથી.

રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં હાલ રાજકારણ ગરમાયું છે અને એનું કારણ છે ભાજપનો અંદરોઅંદરનો જુથવાદ. વાત જાણે એમ છે કે ગગત 8 સપ્ટેમ્બરના રોજ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે પરિણામ આવ્યાના 8 થી 10 દિવસની અંદર જ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરી લેવામાં આવતી હોય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચૂંટણી પૂરી થઈને લગભગ 2 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ મહત્ત્વની જગ્યાઓ પર કોઈ વરણી કરવામાં નથી આવી. એટલું જ નહીં, હાલની સ્થિતિ જોતા આગામી દિવાળી સુધી પણ આ નિમણૂકો થાય તેવી કોઈ જ શક્યતા દેખાઈ રહી નથી.

આ વિવાદ પાછળ રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ મુખ્ય કારણ છે. લોધિકા સંઘની આ ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ અને વ્હિપ સામે જઈને મતદાન થયું હતું, જેમાં 2 બળવાખોર ઉમેદવારો જીતીને બહાર આવ્યા હતા. શરૂઆતમાં તો પાર્ટીએ આ તમામ કાર્યકરો પોતાના જ હોવાનું કહ્યું હતું, પરંતુ જ્યારે ભાજપના 2 દિગ્ગજ નેતાઓની હાર થઈ ત્યારે પાસા પલટાઈ ગયા અને જિલ્લા ભાજપે તેમને સત્તાવાર રીતે બળવાખોર જાહેર કરી દીધા. ચર્ચા એવી પણ છે કે આ વિજેતા બળવાખોર ઉમેદવારો જયેશ રાદડિયાના ટેકેદાર છે, જેના કારણે રાજકારણ વધુ ગરમાયું છે.

એક તરફ પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પ્રશાંત કોરાટ જેવા નેતાઓ એવું ઈચ્છી રહ્યા છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને આ જ કારણ છે કે તેઓ ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક અટકાવવામાં મોટો રોલ ભજવી રહ્યા છે. બીજી બાજુ રાદડિયા જૂથ પાસે પણ પૂરતા ડિરેક્ટરોનું સમર્થન છે જ. આ બંને પક્ષો વચ્ચેની ખેંચતાણમાં ભાજપનું મોવડી મંડળ હાલ તો વેઇટ એન્ડ વોચની મુદ્રામાં બેસી રહ્યું છે, જેની સીધી અસર સહકારી સંસ્થાઓની દૈનિક કામગીરી પર પડી રહી છે અને આખી સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

આ સ્થિતિ માત્ર લોધિકા સંઘ પૂરતી સીમિત નથી, પરંતુ રાજકોટ જિલ્લા સંઘમાં પણ આ જ હાલત છે અને ત્યાં પણ પદાધિકારીઓની નિમણૂકો લટકી પડી છે. મુશ્કેલી એ છે કે હવે પછીના દિવસોમાં બેડી માર્કેટીંગ યાર્ડ સહિત રાજકોટ જિલ્લાની અન્ય સહકારી સંસ્થાઓ અને માર્કેટીંગ યાર્ડની ચૂંટણીઓ પણ લાઈનમાં ઊભી છે. જો આંતરિક વિવાદના લીધે પદાધિકારીઓની નિમણૂક જ નહીં થાય, તો જ્યાં સુધી આ મામલો નહીં ઉકેલાય ત્યાં સુધી આગામી યાર્ડની ચૂંટણીઓના જાહેરનામા બહાર પાડવા પણ મુશ્કેલ બનશે. સહકારી ક્ષેત્રના જાણકારો માની રહ્યા છે કે જો નેતાઓનો આંતરિક જુથવાદ વહેલી તકે નહીં સમેટેવાય, તો રાજકોટના સહકારી આખા માળખાને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે.

LATEST ARTICLES