ભારતના રમતગમત જગતના ઇતિહાસમાં એક અત્યંત ગૌરવવંતા અને સુવર્ણ અધ્યાયનો ઉમેરો થયો છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને મોટી રમતગમત સ્પર્ધાઓ પૈકીની એક એવી આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ વર્ષ ૨૦૨૯માં ભારતમાં યોજાવાની છે. આ દેશના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે આ વૈશ્વિક સ્તરની વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની ભારતની ધરતી કરશે. આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતા અંગે રાજ્યના યુવા અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા દેશવાસીઓ અને તમામ રમતપ્રેમીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નિર્માણ પામેલા અત્યાધુનિક રમતગમત માળખાકીય સુવિધાઓ અને વિશ્વ કક્ષાના સ્ટેડિયમોના કારણે અમદાવાદ હવે વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી આવ્યું છે. આ અગાઉ અમદાવાદ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ તેમજ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬ જેવી મહત્વપૂર્ણ સ્પર્ધાઓના સફળ આયોજન બાદ હવે ૨૦૨૯ની આ મહાસ્પર્ધા અહીં યોજાશે. આ ભવ્ય ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે દુનિયાભરના સો કરતા વધુ દેશોમાંથી દિગ્ગજ વેઇટલિફ્ટરો, ઓલિમ્પિક પદક વિજેતાઓ અને પ્રશિક્ષકો ગુજરાતની મુલાકાતે આવશે. ભારત દ્વારા ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોત્સવની યજમાની મેળવવા માટે જે કવાયત હાથ ધરવામાં આવી રહી છે, તેની મજબૂત પૃષ્ઠભૂમિમાં આ વૈશ્વિક સ્પર્ધાનું આયોજન ભારતની આયોજન ક્ષમતા પર આંતરરાષ્ટ્રીય મહોર સમાન છે.
રમતગમત મંત્રીએ આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉપલબ્ધ ઉત્તમ સ્પોર્ટ્સ સગવડો અને ખેલાડીઓને મળી રહેલા પ્રોત્સાહનને લીધે વૈશ્વિક સંસ્થાઓનો ભારત અને ગુજરાત પ્રત્યેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. આ ભવ્ય સ્પર્ધાના આયોજન થકી રાજ્યના સ્થાનિક ઉભરતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ પ્રાપ્ત થશે અને ગુજરાતમાં રમતગમતનું વાતાવરણ વધુ મજબૂત બનશે. આ ઐતિહાસિક ક્ષણ માત્ર ગુજરાત જ નહીં પરંતુસમગ્ર ભારત માટે અત્યંત ગર્વની બાબત છે.
