જામનગર મિરર વિશેષ અહેવાલ. નવી દિલ્હીમાં આયોજિત વૈશ્વિક શિખર સંમેલનમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના પૂર્વ પ્રમુખ અને ગુપ્તચર એજન્સીના ભૂતપૂર્વ વડા જનરલ ડેવિડ પેટ્રિયસે યુદ્ધની બદલાતી પરિસ્થિતિ અંગે અત્યંત ચોંકાવનારી અને ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વર્તમાન સમયમાં રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ આપણા જીવનકાળ દરમિયાન યુદ્ધકળામાં આવેલા સૌથી મોટા પરિવર્તનને દર્શાવે છે. આજના સમયમાં ટેકનોલોજી એટલી હદે હાવી થઈ ગઈ છે કે જે સૈન્ય દળો તાત્કાલિક ધોરણે આધુનિક તકનીક પ્રમાણે નહીં બદલાય, તેઓ રણમેદાનમાં પાછળ રહી જશે અને તેમનું અસ્તિત્વ જોખમાઈ જશે.
વૈશ્વિક મંચ પર પોતાના વિચારો રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે રશિયા અને યૂક્રેન વચ્ચે ખેલાઈ રહેલું આધુનિક ડ્રોન યુદ્ધ સમગ્ર સૈન્ય વ્યવસ્થા માટે એક મોટો એલાર્મ છે. આજે યુદ્ધના મેદાનમાં ડ્રોન અને સ્માર્ટ હથિયારોએ પાયદળ અને બખ્તરબંધ વાહનોની કામ કરવાની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખી છે. બંને પક્ષો દ્વારા સંચાલિત ડ્રોન હવે કોઈપણ સૈનિક કે ટેન્કને સરળતાથી નિશાન બનાવી રહ્યા છે. પરિણામે, યૂક્રેનની પૂર્વ સરહદ પર તૈનાત સૈનિકોને ખુલ્લા મેદાનમાં ફરવાને બદલે જમીનની અંદર ભૂગર્ભમાં રહેવું પડે છે અને બહારની દુનિયા પર નજર રાખવા માટે માત્ર ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સહારો લેવો પડે છે. મોરચા પર તૈનાત સૈનિકોને હવે ટ્રક દ્વારા નહીં, પરંતુ રિમોટથી ચાલતા વાહનો અને ડ્રોન મારફતે ખાદ્યસામગ્રી તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવે છે.
જનરલ પેટ્રિયસે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત યુદ્ધની રણનીતિઓ હવે ભૂતકાળ બની ગઈ છે. ટેન્ક, પાયદળ, એન્જિનિયર્સ, હવાઈ સુરક્ષા અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ જેવી પરંપરાગત બાબતો હવે આધુનિક હુમલાઓ સામે ટકી શકે તેમ નથી. જો જમીન પર ખાડા કે ખાઈ બનાવવામાં આવે તો પણ તેમાં ડ્રોન સીધા ઘૂસીને હુમલો કરી શકે છે, એટલે કે રણમેદાનમાં ખુલ્લામાં રહેલી કોઈપણ વસ્તુ દુશ્મનની નજરથી બચી શકતી નથી. આ સ્થિતિ દર્શાવે છે કે દુનિયાના તમામ દેશોની સૈન્ય વ્યવસ્થાએ હવે પાંચ વર્ષની લાંબી રાહ જોયા વગર તાત્કાલિક અને ક્રાંતિકારી સંસ્થાગત ફેરફારો અપનાવવાની તાતી જરૂરિયાત છે, અન્યથા ભવિષ્યના સંઘર્ષોમાં ભારે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.
