JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અરૂણાચલ પ્રદેશમાં સિયાંગ બંધ પ્રોજેક્ટ સામે હિંસક વિરોધ પ્રદર્શન, ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી

Oct 25, 2026 | 07:30 | By JAMNAGAR MIRROR
અરૂણાચલ પ્રદેશમાં સિયાંગ બંધ પ્રોજેક્ટ સામે હિંસક વિરોધ પ્રદર્શન, ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી

અરૂણાચલ પ્રદેશના પાસીઘાટ વિસ્તારમાં પ્રસ્તાવિત સિયાંગ ઉપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો રોષ શુક્રવારે રાત્રે ચરમસીમાએ પહોંચ્યો હતો. આ પ્રોજેક્ટના વિરોધમાં પુલ ૧૨ કલાકનું શાંતિપૂર્ણ બંધ પાળવામાં આવ્યા બાદ અચાનક સ્થિતિ બેકાબૂ બની હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. વિરોધ પ્રદર્શન એટલું હિંસક બન્યું કે સુરક્ષાકર્મીઓ અને તોફાનીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં ચાલીસથી વધુ પોલીસ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ હિંસક આંદોલન દરમિયાન ગુસ્સે ભરાયેલા તોફાની ટોળાએ કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને ભારે ઉત્પાત મચાવ્યો હતો. આક્ષેપ છે કે તોળાઓએ કેટલાક ધારાસભ્યોના નિવાસ્થાનોને નિશાન બનાવીને ત્યાં લૂંટફાટ ચલાવી હતી અને તોડફોડ કરી હતી. આ ઉપરાંત, સરકારી ઇમારતોને પણ આગના હવાલે કરવામાં આવી હતી અને અનેક પોલીસ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા વધારાના સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ગંભીર ઘટના બાદ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને શાંતિ જાળવવા માટે લોકશાહી ઢબે અપીલ કરી છે. મુખ્યમંત્રીએ આંદોલનકારી જૂથો અને નાગરિકો સાથે ખુલ્લા મને વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે જેથી આ વિવાદનો કોઈ યોગ્ય ઉકેલ લાવી શકાય. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો હાથમાં ન લેવા માટે વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ગુનેગારોની ઓળખ કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવાની તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.

LATEST ARTICLES