પડોશી દેશના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક અત્યંત સંવેદનાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના ક્વેટા વિસ્તારમાં એક શોકમગ્ન માતાએ વરિષ્ઠ પોલીસ અધિકારી સામે પોતાના નિર્દોષ પુત્રની હત્યા કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ક્વેટા પ્રેસ ક્લબ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા બીબી શરફ નામના મહિલાએ જણાવ્યું હતું કે ગત પચીસમી સપ્ટેમ્બરે તેમના પુત્ર નૂરઉલ્લાહ અને તેનો મિત્ર શફી મુહમ્મદ બોલાન વિસ્તારમાં એક સરોવર કે વનભોજનથી પરત ફરી રહ્યા હતા ત્યારે નવા સરીયાબ પોલીસ મથકના પ્રભારી અધિકારી અને તેમના બે સાથીદારોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં નૂરઉલ્લાહ અને તેના મિત્રનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેનો અન્ય એક સાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પીડિત માતાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ અધિકારીઓ આ હત્યાકાંડને છુપાવવા માટે મૃતકો સામે જ ખોટા અને બનાવટી ગુનાઓ નોંધી રહ્યા છે. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળતી સુરક્ષા એજન્સીઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘટના બાદ પીડિત પરિવારે સ્થાનિક પોલીસ મથકમાં વારંવાર લેખિત ફરિયાદો નોંધાવવા છતાં અને ન્યાયની ગુહાર લગાવવા છતાં સત્તાવાળાઓ દ્વારા આરોપી પોલીસકર્મીઓ સામે કોઈ જ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. ન્યાય મેળવવા માટે દરવાજા ખટખટાવતી આ માતાની દાદ કોઈ સાંભળતું નથી, જેના કારણે સામાન્ય પ્રજામાં ભારે રોષ અને લાચારીની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારે આક્રંદ સાથે બીબી શરફે ચીમકી આપી છે કે જો તેમને અને તેમના પરિવારને વહેલી તકે ન્યાય નહીં મળે તો તેઓ ક્વેટા પ્રેસ ક્લબની બહાર જ આત્મવિલોપન કરશે. તેમણે આ ચીમકી દ્વારા સરકાર અને પ્રશાસનને ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેના ગંભીર પરિણામો આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે. આ ઘટનાએ બલૂચિસ્તાન પ્રાંતમાં માનવાધિકારોની સ્થિતિ અને પોલીસ દ્રારા સત્તાના દુરુપયોગની કડવી વાસ્તવિકતાને ફરી એકવાર ઉજાગર કરી છે, જ્યાં સામાન્ય નાગરિકો સુરક્ષા દળોના અત્યાચાર સામે અસહાય બનીને જીવવા મજબૂર બન્યા છે.
