અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત અગિયાર હજાર બસો મેગાવોટની વિશાળ સિયાંગ ઉપરી બહુહેતુક યોજના સામે સ્થાનિક લોકોનો વિરોધ હવે ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. પૂર્વ સિયાંગ જિલ્લામાં બાર કલાકના સજ્જડ બંધના એલાન બાદ સ્થિતિ બેકાબૂ બની હતી અને ગુસ્સે ભરાયેલા ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ ભારે તોડફોડ મચાવી હતી. પાસીઘાટ વિસ્તારમાં મોડી રાત્રે રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ સરકારી કાર્યાલય તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનને આગના હવાલે કરી દીધા હતા. આ હિંસક અથડામણ અને પથ્થરમામારા બનાવમાં કેટલાક પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
આ હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓએ માત્ર સરકારી સંપત્તિઓને જ નહીં, પરંતુ રાજકીય નેતાઓના નિવાસ્થાનોને પણ નિશાન બનાવ્યા હતા. તોળાએ સત્તાધારી પક્ષના પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યના ઘર પર હુમલો કરી ભારે તોડફોડ કરી હતી. આ ઉપરાંત, સ્થાનિક આદિ સમુદાયની સર્વોચ્ચ સંસ્થાના કાર્યાલયને પણ તોડી નાખવામાં આવ્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયર ગૅસના ગોળા છોડ્યા હતા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓમાં અગાઉ ધરપકડ કરાયેલા કાર્યકરોની મુક્તિ, સસ્પેન્ડ કરાયેલા ગ્રામીણ મુખિયાઓની બહાલી અને યોજના સંબંધિત તમામ પૂર્વ-સંભાવના પ્રવૃત્તિઓ તાત્કાલિક ધોરણે રદ કરવાનો સમાવેશ થાય છે.
બીજી બાજુ, રાજ્ય સરકારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની કડક અપીલ કરી છે. સરકારનું સ્પષ્ટપણે માનવું છે કે આ મહત્ત્વપૂર્ણ યોજના ક્ષેત્રમાં જળ સુરક્ષા વધારવા, પૂર નિયંત્રણ કરવા અને લાંબા ગાળાના આર્થિક વિકાસ માટે અનિવાર્ય છે. સરકારે ખાતરી આપી છે કે પ્રકલ્પના મૂલ્યાંકન સમયે સ્થાનિક સમુદાયોના હિતો, જમીનની સુરક્ષા અને સાંસ્કૃતિક વારસાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, સ્થાનિક લોકો નદી બેસિન પર પડનારા વિપરીત પ્રભાવોને લઈને ચિંતિત છે, ત્યારે તંત્ર દ્વારા શાંતિ જાળવી રાખવા માટે સતત અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
