બ્રિટનની સરકારે નાગરિકોને અણધારી કુદરતી આફતો, ચરમ મોસમ, જંગલની આગ અને સાયબર હુમલાઓ જેવી કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સજ્જ રહેવા એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આગામી ત્રણ વર્ષ સુધી ચાલનારા આ ‘બી રેડી’ નામના અભિયાન અંતર્ગત દેશના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ વિપરિત પરિસ્થિતિમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ઘર બહાર નીકળ્યા વગર જીવી શકે તેવી જરૂરી વ્યવસ્થાઓ અગાઉથી જ પોતાના ઘરમાં ગોઠવીને રાખે. સરકારના જણાવ્યા મુજબ આનો મુખ્ય હેતુ લોકોમાં ભય ફેલાવવાનો નથી, પરંતુ તેમને સમયસર સતર્ક અને સાવચેત રાખવાનો છે જેથી મુશ્કેલ સમયમાં જીવનજરૂરી સેવાઓ અાપમેળે જળવાઈ રહે.
આ નવા નિર્દેશો અનુસાર દરેક પરિવારે પોતાના ઘરમાં પીવાનું શુદ્ધ પાણી, લાંબો સમય સુધી ટકી શકે તેવો ખોરાક, બેટરીથી ચાલતી રેડિયો સેટ, ટોર્ચ અને વધારાની બેટરીઓ તેમજ વીજળી અને તાપમાન જળવાઈ રહે તે માટે ગરમ ચાદરો કે સ્લીપિંગ બેગ અનિવાર્યપણે રાખવી જોઈએ. આ ઉપરાંત અચાનક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઠપ્પ થઈ જાય કે એટીએમ કામ કરતા બંધ થઈ જાય તેવી સ્થિતિમાં નાણાકીય લેણદેણ માટે પૂરતી રોકડ રકમ પણ ઘરમાં અનામત રાખવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રકારની સાવચેતી ફ્રાન્સ, આયર્લેન્ડ અને નેધરલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં પણ અગાઉ અપનાવવામાં આવી ચૂકી છે.
વર્તમાન સમયમાં બદલાતા વાતાવરણને કારણે ગરમીનું પ્રમાણ વધવું, દુષ્કાળ અને જંગલોમાં લાગતી આગના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. આ સાથે ડિજિટલ યુગમાં મોટાપાયે થતા સાયબર હુમલાઓ પણ દેશની અતિ આવશ્યક સેવાઓ અને અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે લશ્કરી હેલિકોપ્ટરોને આગ ઓલવવામાં સજ્જ કરવા અને અગ્નિશામક દળોને વધુ આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની ઘોષણા કરી છે. બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ અણધારી આફતો સામે હંમેશાં સતર્ક રહીને પૂર્વ તૈયારીઓ રાખવી સમયની માંગ છે.
