JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: વિદેશી રાજદ્વારી મિશનો સાથે સીધા સંપર્ક પર પ્રતિબંધ, લેખિત મંજૂરી અનિવાર્ય

Oct 24, 2026 | 11:30 | By JAMNAGAR MIRROR
ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: વિદેશી રાજદ્વારી મિશનો સાથે સીધા સંપર્ક પર પ્રતિબંધ, લેખિત મંજૂરી અનિવાર્ય

ગુજરાતમાં વિદેશી રાજદ્વારી અને કોન્સ્યુલર મિશનો સાથેના વ્યવહારોમાં ડિપ્લોમેટિક પ્રોટોકોલ અને સ્થાપિત પ્રત્યાયન ચેનલનું ચુસ્તપણે પાલન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના અર્ધસરકારી પત્રો અને પ્રોટોકોલ હેન્ડબુકની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર રાજ્યના મંત્રીઓ કે રાજ્યપાલ સાથેની કોઈપણ બેઠક માટે વિદેશ મંત્રાલયની લેખિત મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે, અને તેના વિના કોઈ સત્તાવાર બેઠક યોજી શકાશે નહીં.

પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં કેટલાક વિદેશી રાજદ્વારી મિશનો દ્વારા સ્થાપિત પ્રત્યાયન વ્યવસ્થાને બાયપાસ કરીને રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મહાનુભાવો સાથે સીધો સંપર્ક સાધીને બેઠકો તથા શુભેચ્છા મુલાકાતો માંગવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું. ભારતના બંધારણની સંઘ યાદી મુજબ વિદેશ સંબંધો અને રાજદ્વારી બાબતો કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે, અને રાષ્ટ્રીય હિતોની જાળવણી માટે કેન્દ્ર તથા રાજ્ય સ્તરે એકસૂત્રતા જાળવવી અનિવાર્ય છે. નવા પરિપત્ર મુજબ નીતિગત બાબતો, વિદેશ વેપાર, બાહ્ય સહાય અથવા શુભેચ્છા મુલાકાત માટે સીધો સંપર્ક સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ આદેશોનું રાજ્યભરમાં ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા માટે સચિવાલયના તમામ વહીવટી વિભાગો, ખાતાના વડાઓ, બોર્ડ-કોર્પોરેશનો, પોલીસ વડા તેમજ તમામ જિલ્લા કલેક્ટરો અને ક્ષેત્રીય કચેરીઓને સખત નિર્દેશો આપવામાં આવ્યા છે. જોકે, માત્ર તકનીકી વિષયો કે તથ્યલક્ષી માહિતી મેળવવા જેવી રોજીંદી બાબતો અંગે કોન્સ્યુલર પ્રતિનિધિઓ સાથે સીધો પત્રવ્યવહાર કરવાની છૂટ યથાવત રાખવામાં આવી છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સમિટ પહેલા જ સરકાર દ્વારા લેવાયેલા આ કડક પગલાથી દેશના રાજદ્વારી હિતોનું સચોટ રક્ષણ થશે અને સત્તાવાર સંચાર વ્યવસ્થા વધુ પારદર્શક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

LATEST ARTICLES