JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

રિઝર્વ બેંકની કડક ગાઇડલાઇન: ડેટાબ્રીચ થાય તો બેંકોએ ટેકનોલોજી સિસ્ટમની ફોરેન્સિક તપાસ કરાવવી પડશે

Oct 23, 2026 | 00:46 | By JAMNAGAR MIRROR
રિઝર્વ બેંકની કડક ગાઇડલાઇન: ડેટાબ્રીચ થાય તો બેંકોએ ટેકનોલોજી સિસ્ટમની ફોરેન્સિક તપાસ કરાવવી પડશે

વધતા જતા સાયબર જોખમો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હુમલાઓને ધ્યાનમાં રાખીને દેશની સર્વોચ્ચ બેંકે તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે સુરક્ષાના કડક નિયમો જારી કર્યા છે. રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલી નવી એડવાઇઝરી મુજબ, જો નાણાકીય સંસ્થાઓમાં કોઈ ડેટા લીક કે ઓળખપત્ર ચોરીની ઘટના સામે આવે, તો જ્યાં સુધી સંપૂર્ણ ફોરેન્સિક તપાસ દ્વારા તે સિસ્ટમ સુરક્ષિત હોવાનું પ્રમાણિત ન થાય ત્યાં સુધી સમગ્ર ટેકનોલોજી વાતાવરણને શંકાસ્પદ અને ક્ષતિગ્રસ્ત ગણવામાં આવશે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોના નાણાં અને ગોપનીય ડેટાને અત્યાધુનિક સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવાનો છે.

નવી માર્ગદર્શિકા અનુસાર નાણાકીય સંસ્થાઓ અને બેંકોએ મેનેજમેન્ટ તથા પ્રશાસકીય ઇન્ટરફેસને સાર્વજનિક ઇન્ટરનેટથી દૂર રાખવાના રહેશે તેમજ એડમિનિસ્ટ્રેટિવ એક્સેસ માટે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન અનિવાર્ય કરવાનું રહેશે. આ ઉપરાંત, ક્લાઉડ અને બેકએન્ડ સિસ્ટમ્સમાં એક્સેસ મર્યાદિત રાખવા આદેશ અપાયો છે. સંસ્થાઓએ સોર્સ કોડ, કોન્ફિગરેશન ફાઇલો અને ક્લાઉડ સ્ટોરેજનું ઓડિટ કરવાનું રહેશે તેમજ જો કોઈ ઓળખપત્ર સાથે છેડછાડ થઈ હોય તો તેને તાત્કાલિક બદલી નાખવા કે દૂર કરવાના રહેશે. સાયબર સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, હેકર્સો હવે સ્વાયત્ત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરીને સુરક્ષા ખામીઓ શોધી રહ્યા છે, જેના કારણે હુમલાની ઝડપ ખૂબ વધી ગઈ છે.

આ સાથે જ બેંકોને તમામ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસનું સઘન નિરીક્ષણ કરવા અને બિનઉપયોગી કે ટેસ્ટિંગ માટેના ઇન્ટરફેસ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ સાયબર હુમલો કે ડેટા ચોરીની ઘટના બને, તો સંસ્થાઓએ નિર્ધારિત સમયમોર્ચામાં કેન્દ્રીય કચેરીને જાણ કરવી પડશે. નાણાકીય ક્ષેત્રમાં વધતી જતી ડિજિટલ છેતરપિંડીઓને રોકવા માટે આ કડક નિયમો સીમાચિહ્નરૂપ સાબિત થશે અને તેનાથી બેંકિંગ પ્રણાલીમાં ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

LATEST ARTICLES