મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના એક પ્રતિષ્ઠિત વેપારી સાથે વિશ્વ વિખ્યાત વાહન નિર્માતા કંપની ટેસ્લાના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મા્મલો સામે આવ્યો છે. જોકે આ પ્રકરણમાં એલન મસ્કની કોઈ સંડોવણી નથી, પરંતુ ગુરુગ્રામ સ્થિત સમાન નામ ધરાવતી એક કંપની દ્વારા આ કારસ્તાન આચરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત વેપારી અતુલ નારાયણ પાયગવહનની માલિકીની પેઢી સાથે ગુરુગ્રામની કંપનીએ બેટરી, ઇન્વર્ટર અને સોલાર પૅનલના વેપાર માટે કરાર કર્યો હતો. આ ભાગીદારી અંતર્ગત વેપારીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે એક કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા, જેના બદલ નિશ્ચિત વળતર અને કમિશન નક્કી કરવામાં આવ્યું હતું.
શરૂઆતમાં દોઢ વર્ષ સુધી વેપાર સુચારુરૂપે ચાલ્યો હતો અને મહારાષ્ટ્રના એક ગામમાં વેરહાઉસ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ, સમય જતાં વેપારમાં મંદી આવતા ડિસેમ્બર મહિનામાં પરસ્પર સહમતિથી આ ભાગીદારી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાગીદારી પૂરી થયા બાદ વેપારીએ કંપનીને તમામ વણવપરાયેલો સ્ટોક પરત સોંપી દીધો હતો. ગુરુગ્રામની કંપનીએ સિક્યોરિટી ડિપોઝિટની રકમ, બાકી કમિશન અને પરત કરેલા સામાનની કિંમત મળીને કુલ એક કરોડ બાવીસ લાખ બાર હજાર આઠસો અડતાલીસ રૂપિયા આગામી માર્ચ મહિના સુધીમાં પરત કરવાનો વાયદો કર્યો હતો. જો કે, નિર્ધારિત સમયમર્યાદા વીતી જવા છતાં નાણાં પરત ન મળતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ મા અંગે પીડિત વેપારી દ્વારા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ગુરુગ્રામની કંપનીના મુખ્ય સંચાલકો કવિન્દર ખુરાના અને વૃતિકા ખુરાનાને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપીઓએ કથિત રીતે ટેક્સમાંથી બચવા માટે પોતાની કંપનીનું નામ બદલી નાખ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ વેપારીના નાણાં હડપ કરી લેવા અને કાનૂની જવાબદારીમાંથી છટકવા માટે આ એક પૂર્વઆયોજિત અને ગણતરીપૂર્વકનું પગલું હોઈ શકે છે. હાલ પોલીસ આ સમગ્ર પ્રકરણની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ન્યાય મેળવવા માટે કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
