કેન્દ્ર સરકારના આરોગ્ય સેવા મહાનિદેશાલય દ્વારા દેશભરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્દેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં એક જ વાર ઉપયોગમાં લેવાતા એટલે કે સિંગલ-યુઝ મેડિકલ ડિવાઇસિસ અને સર્જિકલ સાધનોનો પુનઃઉપયોગ કરવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તબીબી ક્ષેત્રે દર્દીઓની સલામતીને સર્વોપરી ગણાવતા આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ એવું ધ્યાનમાં આવ્યું હતું કે કેટલીક ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, ઓન્કોલોજી, ન્યૂરોસર્જરી તેમજ હૃદય અને રક્તવાહિનીની શસ્ત્રક્રિયાઓ જેવા ગંભીર વિભાગોમાં વપરાતા એક જ વારના સાધનોને સ્ટિરિલાઇઝ કરીને ફરીથી વાપરવામાં આવતા હતા.
આવા જોખમી પુનઃઉપયોગથી દર્દીઓમાં ચેપ ફેલાવવાનું જોખમ વધી જાય છે, સાધનોની કામગીરી બગડી શકે છે અને દર્દીના સ્વાસ્થ્ય પર ગંભીર વિપરીત અસરો થઈ શકે છે તેવી સ્પષ્ટ ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, મેડિકલ ડિવાઇસિસ રૂલ્સ અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ જેવા પ્રવર્તમાન કાયદાઓ અને નિયમોનું સીધું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં હોસ્પિટલો દ્વારા પુનઃઉપયોગમાં લેવાયેલા સાધનો માટે પણ દર્દીઓ પાસેથી પૂરેપૂરો ખર્ચ વસૂલવામાં આવતો હતો અથવા સરકારી યોજનાઓમાંથી નાણાં રીએમ્બર્સ કરાવવામાં આવતા હતા, જે અત્યંત અયોગ્ય છે.
દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ તેમજ ડ્રગ કંટ્રોલર્સને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ હોસ્પિટલો પર સઘન નજર રાખે, અચાનક તપાસ કરે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરે. મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોએ પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને માંગ કરી છે કે હોસ્પિટલોમાં સાધનોના વપરાશ અને નિકાલના પારદર્શક રેકોર્ડ રાખવામાં આવે તથા સ્ટાફને યોગ્ય તાલીમ આપવામાં આવે જેથી દર્દીઓના જીવન સાથે કોઈ ચેડા ન થાય.
