ઉત્તર ગુજરાતના પાલનપુર પંથકમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં પાલનપુર અમીરગઢ હાઈવે ઉપર સદરપુર ગામની સીમ પાસેથી પસાર થઈ રહેલા એક ભારે વાહન પાછળ પુરઝડપે આવી રહેલી અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ચાલક અંદર જ ફસાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાન તરફથી ટાઈલ્સ બનાવવાનો પાવડર ભરીને એક ટ્રેઈલર મોરબી તરફ જવા માટે નીકળ્યું હતું. આ ટ્રેઈલર જ્યારે અમીરગઢ પાલનપુર હાઈવે પર સદરપુર ગામની સીમ પાસેથી પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ટ્રકના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક સીધી આગળ જઈ રહેલા ટ્રેઈલરના પાછળના ભાગમાં ધૂસી ગઈ હતી. આ ભીષણ ટક્કરને કારણે ટ્રકનું બમ્પર અને કેબિનનો ભાગ ભારે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જેના લીધે ટ્રક ચાલક ગંભીર રીતે લોહીીલુહાણ થઈને અંદર જ ફસાઈ ગયો હતો.
અકસ્માતની આ કરુણ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ ટ્રેઈલરના પાછળના ભાગમાં ફસાયેલા મૃતક ટ્રક ચાલકના શબને બહાર કાઢીને આગળની કાનૂની કાર્યવાહી અર્થે સરકારી હોસ્પિટલના શબઘર ખાતે મોકલી આપી હતી. આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉત્તર ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના સિકંદરા જીતપુર ગામના રહેવાસી અને ટ્રેઈલર ચાલક દ્વારા સમગ્ર ઘટના અંગે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને અકસ્માતના ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
