બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિધામ અંબાજી ખાતે વિજયાપદમીના પાવન અવસરે પરંપરાગત અને ઉત્સાહપૂર્ણ માહોલમાં રાવણ દહનનો મહોત્સવ સંપન્ન થયો હતો. આ પ્રસંગે સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધાર્મિક આસ્થા સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજીના મુખ્ય માર્ગો પર અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાં પૌરાણિક પાત્રોની ઝાંખી કરાવતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, માતા જાનકી અને પવનપુત્ર હનુમાનજીની સાથે વિભિન્ન વેશભૂષા ધારણ કરેલા કલાકારો જોડાયા હતા. આ યાત્રા અંબાજી વિસ્તારના વિવિધ માર્ગો પર ફરીને અંતે જીએમડીસી મેદાન ખાતે પહોંચી હતી. શોભાયાત્રાના માર્ગમાં ઠેરઠેર નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધાર્મિક સૂત્રોચ્ચારથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને લોકોએ આ દિવ્ય યાત્રાના દર્શનનો લહાવો લીધો હતો.
જીએમડીસી મેદાન ખાતે નિર્ધારિત સમયે રાવણ દહનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. રાવણના પુતળાનું દહન કરતા પહેલા આકાશને રોશનીથી જગમગાવતી ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી, જેને નિહાળીને બાળકો અને વડીલો સહિત તમામ વય જૂથના લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ અદભુત નજારાને જોવા માટે અંબાજી તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી વિશાળ જનમેદની ઉમટી પડી હતી અને મેદાનમાં ભારે ભીડ જોવા મળી હતી.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્થાનિક વહીવટી તંત્ર અને આયોજકો દ્વારા પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. રાવણ દહનના આ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ જનસમુદાય માટે મહાપ્રસાદ વિતરણની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવતા પ્રસાદનો લાભ લીધો હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.
