મોરબીના અતિ જાણીતા અને પ્રતિષ્ઠિત અજંતા કલોક ગ્રુપના મોભી પ્રવિણભાઇ ઓધવજીભાઇ ભાલોડિયાનું અમદાવાદ ખાતે હાર્ટએટેકથી અચાનક અવસાન થવાથી સમગ્ર ઉદ્યોગ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી વય સહજ બીમારીના કારણે અમદાવાદ ખાતે નિવાસ કરતા હતા અને ગઈકાલે મોડી રાત્રે તેમને હાર્ટએટેક આવતા તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના આ અચાનક નિધનથી વ્યાપારી વર્ગ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સ્વર્ગસ્થ ઓધવજીભાઈ આર. ભાલોડિયા દ્વારા વર્ષ ૧૯૭૧માં મોરબીમાં ઘડિયાળના વ્યવસાયની પાયો નાખવામાં આવ્યો હતો. સમયની સાથે અજંતા અને ઓરપેટ નામની અગ્રણી પેઢીઓની શરૂૂઆત થઈ હતી. પ્રવિણભાઇએ ૧૯૮૦ના દાયકાથી આ વ્યવસાયની ધૂરા સંભાળી હતી અને અજંતા બ્રાન્ડને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે માત્ર પરંપરાગત ઘડિયાળો જ નહીં પરંતુ ડિજિટલ કેલ્ક્યુલેટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ યોગદાન આપીને દેશ અને દુનિયામાં પોતાના ઉદ્યોગનો ડંકો વગાડ્યો હતો.
આજે તેમના પાર્થિવ દેહને અમદાવાદથી મોરબીના શનાળા રોડ પર આવેલા તેમના નિવાસ્થાન રેવા બંગલા ખાતે લાવવામાં આવ્યો છે. સાંજે પાંચ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી માદરે વતન ચાંચાપર ગામ સુધી ભવ્ય અંતિમયાત્રા યોજાશે અને ત્યારબાદ ચાંચાપર ગામે અગ્નિસંસ્કાર કરવામાં આવશે. ઉદ્યોગ જગતના દિગ્ગજ અને પરોપકારી આગેવાનના જવાથી મોરબીએ એક સાચો રત્ન ગુમાવ્યો છે, જેની ખોટ ક્યારેય પૂરી નહીં શકાય.
