ગુજરાતમાં ઊભી થયેલી ઉર્જા જરૂરિયાતો અને સંભવિત વીજ સંકટને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઊર્જા વિભાગની એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં રાજ્યમાં વીજ ઉત્પાદનની વર્તમાન પરિસ્થિતિ અને પાવર સ્ટેશનોની કાર્યક્ષમતા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના ઉર્જા મંત્રી સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને સમગ્ર સ્થિતિનો ચિતાર મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.
તાજેતરમાં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી દ્વારા કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજવામાં આવી હતી. દિલ્હીમાં થયેલી આ ચર્ચાના આધારે રાજ્યમાં વીજળીની કોઈ અછત ન સર્જાય તે માટે ખાસ આયોજન કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી પૂરતા પ્રમાણમાં અને સમયસર વધારાની વીજળી મળી રહે તે માટે વહીવટી તંત્રને સક્રિય બનવા માટે જણાવાયું છે, જેથી નાગરિકો અને ઉદ્યોગોને અબાધિત વીજ પુરવઠો મળી શકે.
આ ઉપરાંત રાજ્યના થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે કોલસાનો પુરવઠો નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે બાબતને પણ અગ્રતા આપવામાં આવી છે. કોલસાની અછત ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવા અને કેન્દ્ર સરકાર સાથે સતત સંકલન જાળવી રાખવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને ખાસ સૂચનાઓ અપાઈ છે. રાજ્ય સરકારની આ સક્રિય નીતિના કારણે આગામી દિવસોમાં વીજ સંકટના વાદળો વિખેરાઈ જશે અને તમામ ક્ષેત્રોમાં વીજળીની નિર્વિઘ્ન આપૂર્તિ જળવાઈ રહેશે તેવી પૂર્ણ આશા વ્યક્ત કરવામાં આવી છે.
