JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

છોટાઉદેપુરના બોડેલી પાસે રેલવે બ્રિજ પર ટ્રેનની અડફેટે આવવાથી માતા અને પુત્રનું કરુણ મોત

Oct 20, 2026 | 17:45 | By JAMNAGAR MIRROR
છોટાઉદેપુરના બોડેલી પાસે રેલવે બ્રિજ પર ટ્રેનની અડફેટે આવવાથી માતા અને પુત્રનું કરુણ મોત

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે. બોડેલી નજીક આવેલી નર્મદા કેનાલના રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહેલા માતા અને પુત્ર ટ્રેનની કાળમુખી અડફેટે આવી ગયા હતા. અચાનક આવી પહોંચેલી ટ્રેનની ટક્કર એટલી ભયાનક હતી કે માતા અને પુત્ર બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ક્ષણભરમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.

મૃતકોની ઓળખ જૂની બોડેલીના જૈન ફળિયામાં રહેતાં પેસર્ચ વર્ષીય ગંજીબેન ગણપતભાઈ બારિયા અને તેમના બત્રીસ વર્ષીય પુત્ર પરેશભાઈ ગણપતભાઈ બારિયા તરીકે થઈ છે. માતા અને પુત્ર બંને બપોરના સમયે ખેતરે જઈ રહેલા પરિજનો માટે ભોજનનું ટિફિન આપવા માટે નીકળ્યા હતા. ટૂંકો રસ્તો હોવાથી નર્મદા કેનાલના રેલવે બ્રિજ પરથી ચાલીને રેલવે લાઈન ઓળંગી રહ્યા હતા તે દરમિયાન અચાનક કાળ બનીને આવેલી ટ્રેને બંનેને પોતાની અડફેટે લીધા હતા.

માતા અને પુત્રના એકસાથે કરુણ અવસાન થવાના સમાચાર મળતાં જ જૂની બોડેલીના જૈન ફળિયા સહિત સમગ્ર ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને પીડિત પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ ગંભીર બનાવ અંગેની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પંચનામું પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

LATEST ARTICLES