ગોંડલ પંથકમાંથી એક અત્યંત શરમજનક અને સંવેદના શૂન્ય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ગામમાં રહેતી દિવ્યાંગ અને મૂકબધીર પરિણીતાની લાચારી અને એકલતાનો લાભ ઉઠાવીને એક નરાધમે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ગંભીર અપરાધને પગલે સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે અને મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિતાના પતિ કોઈ કામકાજ અર્થે ઘર બહાર ગયા હતા તે દરમિયાન ઘરમાં કોઈ ન હોવાની સ્થિતિનો લાભ લઈને ગામમાં જ દરજીકામ કરતા ગિરીશ ભીખુભાઈ જેઠવા નામના શખસે ઘરમાં પ્રવેશ કર્યો હતો. આરોપીએ ઘરમાં એકલી રહેલી દિવ્યાંગ મહિલા સાથે અશોભનીય કૃત્ય આચરીને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના સમયે જ પીડિતાના જેઠ અચાનક ઘરે આવી પહોંચતા હવસખોર શખસ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પીડિતાના પતિએ તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ મથકે પહોંચીને સમગ્ર મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કુસંસ્કારી આરોપીને સકંજામાં લીધો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
