JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

જાણીતા અભિનેતા પર હુમલો: ગોળીબારમાં ડ્રાઇવર ઇજાગ્રસ્ત, કુખ્યાત ગેંગે લીધી જવાબદારી

Oct 18, 2026 | 21:22 | By JAMNAGAR MIRROR
જાણીતા અભિનેતા પર હુમલો: ગોળીબારમાં ડ્રાઇવર ઇજાગ્રસ્ત, કુખ્યાત ગેંગે લીધી જવાબદારી

રવિવારની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પુષ્પા પાર્ક નજીક એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં બાઇક પર સવાર થઈને આવેલા ત્રણ શખ્સોએ બોલિવૂડના જાણીતા અભિનેતા ટાઇગર શ્રોફને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સદ્ભાગ્યે આ હુમલામાં અભિનેતાને કોઈ ઈજા પહોંચી નથી અને તેઓ સુરક્ષિત છે, પરંતુ આ હુમલામાં તેમનો વાહનચાલક તેમજ નજીકમાંથી પસાર થઈ રહેલા એક ઓટો-રિચશ્વાચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર ઘટના બાદ મુંબઈ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે જુહુ વિસ્તારમાં બાર વિશેષ ટીમો તૈનાત કરીને કાયદેસરનો ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ હુમલાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરનાર અનિલ પંડિત નામના એક શખ્સે સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિપ વાયરલ કરી છે, જેમાં તેણે ખુલાસો કર્યો છે કે અભિનેતા સલમાન ખાન સાથેની નિકટતાના કારણે જ ટાઇગર શ્રોફને આ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઓડિયોમાં ખુલ્લી ધમકી આપવામાં આવી છે કે જો કોઈ પણ કલાકાર તેમની સહમતિ વગર અથવા સલમાન ખાન સાથે કામ કરશે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. આ સાથે જ સલમાન ખાન અને તેના પરિવારને પણ ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ કમિશનર સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરી હતી અને ગોળીબારની આ ઘટનાની તમામ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ પોલીસ તંત્રને આ કેસની તપાસ વહેલી તકે પૂર્ણ કરવા અને આ કૃત્ય પાછળ સંકળાયેલા તમામ જવાબદાર આરોપીઓ સામે સખતમાં સખત કાનૂની પગલાં લેવા માટેના કડક આદેશો જારી કર્યા છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે અસામાજિક તત્વોના નેટવર્કને તોડી પાડવા માટે સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

LATEST ARTICLES