સ્થાનિક તેમજ વાયદા બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે પાછલા પાંચ ટ્રેડિંગ દિવસો દરમિયાન સોના અને ચાંદી બંનેના ભાવમાં તીવ્ર કડાકો જોવા મળ્યો છે. વાયદા બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૧૪,૦૦૦થી વધુનો ધરખમ ઘટાડો થયો છે, જ્યારે ૨૪ કેરેટ શુદ્ધ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામે આશરે રૂ. ૩,૫૦૦નો ઘટાડો નોંધાતા ગ્રાહકો અને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વાયદા બજારમાં ચાંદીના ભાવોની સ્થિતિ પર નજર કરીએ તો, ૪ ડિસેમ્બરના રોજ પૂર્ણ થતા કોન્ટ્રાક્ટમાં ચાંદીની કિંમત અગાઉ રૂ. ૨,૨૫,૭૫૫ પ્રતિ કિલોગ્રામ હતી, જે પાંચ દિવસના વેપાર બાદ ઘટીને રૂ. ૨,૧૧,૪૧૮ પર બંધ રહી હતી. આમ, માત્ર પાંચ દિવસમાં જ ચાંદીમાં પ્રતિ કિલો રૂ. ૧૪,૩૩૭નો મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં ચાંદી પ્રતિ કિલો રૂ. ૪,૨૦,૦૪૮ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી, જેની તુલનાએ વર્તમાન ભાવમાં રૂ. ૨,૦૮,૬૩૦ જેટલો ઘટાડો થઈ ચૂક્યો છે. બીજી તરફ સ્થાનિક હાજર બજારમાં પણ ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચાંદી પ્રતિ કિલો રૂ. ૧૦,૧૯૧ ઘટીને રૂ. ૨,૧૦,૯૧૮ થઈ ગઈ છે.
પીળી ધાતુ ગણાતા સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં ૨૪ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ. ૧,૫૧,૪૯૯થી ઘટીને રૂ. ૧,૪૮,૦૦૦ પર આવી ગયો હતો, એટલે કે પાંચ દિવસમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામે રૂ. ૩,૪૯૯ સસ્તું થયું છે. સ્થાનિક બજારમાં પણ સોનું રૂ. ૧,૪૯,૪૩૦થી ઘટીને રૂ. ૧,૪૬,૪૨૬ પ્રતિ ૧૦ ગ્રામ થયું છે, જેમાં રૂ. ૩,૦૦૪નો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય ગ્રાહકો જ્યારે સોનાના દાગીના ખરીદે છે ત્યારે આ નિર્ધારિત દરો ઉપરાંત ૩ ટકા જીએસટી અને ઘડામણ ખર્ચ અલગથી ચૂકવવો પડતો હોય છે. વૈશ્વિક બજારના પ્રવાહોને પગલે બુલિયન માર્કેટમાં નરમાઈ જોવા મળી રહી છે.
