JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અંબાજી નજીક રાજસ્થાન સરહદે દારૂની અદાવતમાં ગેંગવોર: મુસા બૂટલેગર પર ફાયરિંગ અને જીવલેણ હુમલાથી ચકચાર

Oct 16, 2026 | 23:26 | By JAMNAGAR MIRROR
અંબાજી નજીક રાજસ્થાન સરહદે દારૂની અદાવતમાં ગેંગવોર: મુસા બૂટલેગર પર ફાયરિંગ અને જીવલેણ હુમલાથી ચકચાર

અંબાજી નજીક આવેલી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલા જાંબુડી ગામે દારૂના કાળા કારોબારને લઈને બે જૂથો વચ્ચે ભીષણ ગેંગવોર સર્જાઈ હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં સરહદી વિસ્તારમાં ‘મુસાદા ઢાબા’ ચલાવતા અંબાજીના દિલીપ પ્રજાપતિ ઉર્ફે મુસા બૂટલેગર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ગેરકાયદે દારૂના ધંધામાં વર્ચસ્વ જમાવવા અને જૂની અદાવતના કારણે આ લોહિયાળ હુમલો કરાયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે સમગ્ર સરહદી પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

હુમલાનો ભોગ બનેલા દિલીપ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, સુમિત જૂથ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો ત્રણ ફોર્ચ્યુનર અને ત્રણ ક્રેટા જેવી લક્ઝરી ગાડીઓના કાફલા સાથે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ જાંબુડી સ્થિત ઢાબા પર પહોંચતાની સાથે જ ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરીને આતંક મચાવ્યો હતો. આ હિંસક હુમલા દરમિયાન અસામાજિક તત્વોએ લોખંડના પાઈપો વડે નિર્દયતાથી માર મારીને દિલીપ પ્રજાપતિના પગ તોડી નાખવાનો અને જીવલેણ ઈજાઓ પહોંચાડવાનો ખુલ્લો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે.

હુમલાખોરોએ માત્ર મારામારી જ નહીં પરંતુ લૂંટ ચલાવી હોવાના પણ આક્ષેપ થયા છે. ઘટનાસ્થળે રહેલા પુરાવા નાશ કરવાના ઇરાદે ઢાબામાં લાગેલા સીસીટીવી કેમેરા અને તેનું સાધન લૂંટી લેવામાં આવ્યું હતું. આ સાથે જ હુમલાખોરો બે કિંમતી મોબાઈલ ફોન અને એક થાર ગાડી પણ પડાવીને ફરાર થઈ ગયા હતા. હુમલા દરમિયાન આરોપીઓએ રાજસ્થાનના સિરોહી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સાથે પોતાની સીધી ઓળખાણ હોવાની ધમકી આપી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. રાજસ્થાન સરહદના કથિત બૂટલેગરો દ્વારા કરાયેલા આ હુમલાથી ભારે તણાવ સર્જાયો છે.

બીજી તરફ, હુમલાનો ભોગ બનેલા દિલીપ પ્રજાપતિ પોતે પણ ભૂતકાળમાં વિવાદાસ્પદ અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમની સામે અગાઉ પોલીસ ચોપડે દસથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેઓ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે. બે રાજ્યોની સરહદ પર દારૂના નેટવર્કને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ખાનગી અદાવતમાં ખેલાયેલા આ ખૂની ખેલને પગલે બંને રાજ્યોની પોલીસ દોડતી થઈ ગઈ છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

LATEST ARTICLES