રાજ્યમાં સાયબર ઠગાઈ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં મહેસાણા સાયબર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરીને જિલ્લાના ઉચરપી ગામની સીમમાં આવેલા એક ખેતરની બોરની ઓરડીમાંથી ધમધમતું ગેરકાયદે શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ અને સાયબર ફ્રોડનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસની આ અચાનક થયેલી રેડના પગલે સાયબર ઠગાઈ આચરનાર તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ ઠગ ટોળકી અત્યાધુનિક યુક્તિ-પ્રયુક્તિઓ અપનાવીને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ દ્વારા માર્કેટ પ્લસ નામની મોબાઇલ એપ્લિકેશન તેમજ અન્ય ટ્રેડિંગ એપ્સના માધ્યમથી ગેરકાયદે શેરબજારનું કામકાજ ચલાવવામાં આવતું હતું. તેઓ શ્યામ સ્ટોક એડવાઇઝર કંપનીના નામે ખોટી ઓળખ ઊભી કરી લોકોને શેરબજારમાં ઊંચા વળતર અને ભારે નફાની લાલચ આપતા હતા. આ ઉપરાંત, લોકો સાથે આર્થિક છેતરપિંડી આચરવા માટે ડમી સિમકાર્ડ અને રેન્ડમ મોબાઇલ નંબરોના ડેટા લિસ્ટનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે.
પોલીસે સ્થળ પરથી દરોડો પાડીને કુલ આઠ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જેમાં સ્થાનિક શખ્સો ઉપરાંત અન્ય રાજ્યના શખ્સો પણ સામેલ છે. જો કે, આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો પોલીસ પકડથી દૂર નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમની શોધખોળ હાલ ચાલુ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને ડમી ડેટા તથા સિમકાર્ડ પૂરા પાડનાર શખ્સોની પણ ઓળખ થઈ ચૂકી છે. સ્થળ પરથી પોલીસે વીસ જેટલા મોબાઇલ ફોન, નકલી ઓળખકાર્ડ, કન્સલ્ટીંગ કાર્ડ અને ડમી સિમકાર્ડના કવર સહિતનો કુલ રૂપિયા એક લાખબાવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે તમામ ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
