JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સાયલાના ચિત્રાલાખમાં ગેરકાયદે કોલસા ખનન પર તંત્રનો સપાટો: ૧૯ કૂવા ઝડપાયા, ૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત

Oct 16, 2026 | 19:50 | By JAMNAGAR MIRROR
સાયલાના ચિત્રાલાખમાં ગેરકાયદે કોલસા ખનન પર તંત્રનો સપાટો: ૧૯ કૂવા ઝડપાયા, ૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ સામે પોલીસ અને ખાણ-ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના ચિત્રાલાખ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કોલસાના કાળા કારોબાર પર રાજકોટ રેન્જ પોલીસ વડાના આદેશથી ખાસ ટીમે ઓચિંતો દરોડો પાડીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા માત્ર દસ જ દિવસની અંદર આ પંથકમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ ત્રીજી મોટી કાર્યવાહી છે. રેન્જ પોલીસની આ અણધારી તવાઈથી સરકારી સંપત્તિ લૂંટતા ખનિજ ચોરોમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વહેલી સવારે ચિત્રાલાખની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી અત્યંત ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં ગેરકાયદે કાર્બોસેલ એટલે કે નિકૃષ્ટ કોલસાનું ખનન કરવા માટે તૈયાર કરાયેલા ૧૯ જેટલા ઊંડા કૂવાઓ સંપૂર્ણપણે ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી કે પર્યાવરણીય નિયમોની પરવા કર્યા વિના માફિયાઓ દ્વારા બેરોકટોક ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન તપાસ ટીમે સ્થળ પરથી ૨૭૦ ટન જેટલો બહાર કાઢેલો કોલસાનો મોટો જથ્થો, ૩ ટ્રેક્ટર, ૧ કમ્પ્રેશર મશીન, ૨ મોટરસાઇકલ તેમજ ૧૯ ચરખીઓ સહિત કુલ રૂપિયા ૪૩.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ખાણ-ખનિજ વિભાગ હસ્તક સીઝ કર્યો છે. પોલીસનો કાફલો પહોંચતા જ મજૂરો અને સંચાલકો સાધનો રેઢા મૂકીને નાસી છૂટ્યા હતા અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

કુદરતી સંપત્તિનું નિકંદન કાઢીને સરકારી તિજોરીને લાખો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન પહોંચાડનારા આ માફિયાઓ સામે ખાણ-ખનિજ ધારા હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. આ કૂવાઓ કોની માલિકીની જમીન પર ચાલતા હતા અને આ નેટવર્ક પાછળ કોણ મુખ્ય સૂત્રધાર છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ મામલે વધુ કડક પગલાં ભરીને ધરપકડનો દોર શરૂ કરવામાં આવશે.

LATEST ARTICLES