રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે કાળજું કંપાવી દે તેવી અતિ ગંભીર અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. અહીં ગાયત્રી સોસાયટી વિસ્તારમાં રહેતા એક નશાખોર પતિએ દારૂની બોટલ ઢોળાઈ જવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈને પોતાની જ પત્ની પર ખૂની હુમલો કર્યો હતો. નિર્દય પતિએ પરિણીતાને બેરહેમીથી માર માર્યા બાદ તેનું મોઢું દબાવી બળજબરીપૂર્વક એસિડ પીવડાવી દઈ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સનસનાટીભર્યા બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે દાઝી ગયેલી અને ઈજાગ્રસ્ત પરિણીતાને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચિત્રાવડ ગામે રહેતી ૩૦ વર્ષીય નિકીતાબાના લગ્ન ચાર વર્ષ પૂર્વે યોગરાજસિંહ ઉર્ફે રાજા ભાવુભા ચુડાસમા સાથે પ્રેમલગ્નથી થયા હતા. મોડી રાત્રે આરોપી યોગરાજસિંહ દારૂના નશામાં ચૂર થઈને ઘરે આવ્યો હતો અને દારૂની બોટલ ટેબલ પર મૂકીને સૂઈ ગયો હતો. બીજા દિવસે સવારે ઊઠીને જોતાં બોટલમાં દારૂ ન દેખાતાં તેણે પત્ની પર દારૂ ઢોળી નાખવાનો આક્ષેપ કર્યો હતો. પત્નીએ પોતે કશું જ ન કર્યું હોવાનું જણાવવા છતાં ક્રોધે ભરાયેલા આરોપીએ ગાળો આપી હુમલો કર્યો હતો. ભયભીત નિકીતાબા બહાર ભાગવા જતાં આરોપીએ તેમને પછાડી દઈ, ઢસડીને બાથરૂમમાં લઈ ગયો હતો અને જાનથી મારી નાખવાના ઈરાદે ત્યાં પડેલી બોટલમાંથી એસિડનો ઘૂંટડો ગળામાં ઉતારી દીધો હતો.
આ જીવલેણ હુમલા વચ્ચે પીડિતાએ હિંમત દાખવી આરોપીને ધક્કો મારી અન્ય રૂમમાં પુરાઈ જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને પોલીસ તેમજ પરિવારજનોને જાણ કરી હતી. જોકે, ઉશ્કેરાયેલા પતિએ રૂમમાં ઘૂસી મહિલા પાસેથી ફોન આંચકી તેમના જ માથામાં ફટકારી લોહીલુહાણ કરી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ સ્વજનો અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. લોહીલુહાણ અને દાઝી ગયેલી હાલતમાં મહિલાને તાબડતોબ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે જામકંડોરણા પોલીસે નરાધમ પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
