JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

ડાયાબિટીસના દર્દીઓ માટે દારૂનું સેવન સાબિત થઈ શકે છે ઝેર સમાન: તબીબોનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Oct 16, 2026 | 18:15 | By JAMNAGAR MIRROR
ડાયાબિટીસના દર્દીઓ માટે દારૂનું સેવન સાબિત થઈ શકે છે ઝેર સમાન: તબીબોનો ચોંકાવનારો ઘટસ્ફોટ

સામાન્ય રીતે લોકોમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે ક્યારેક-ક્યારેક મર્યાદિત માત્રામાં દારૂનું સેવન કરવાથી શરીરને કોઈ મોટું નુકસાન થતું નથી. જોકે, તબીબી નિષ્ણાતો અને લિવર રોગના વિશેષજ્ઞોએ આ માન્યતાને સદંતર નકારી કાઢી છે. ખાસ કરીને ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે દારૂનું સેવન ધીમા ઝેર સમાન સાબિત થઈ શકે છે. દારૂ માત્ર લિવરને જ નહીં, પરંતુ સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે. જેના પરિણામે શરીરમાં કુદરતી રીતે ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતા ખોરવાઈ જાય છે અને દર્દીનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક સ્થિતિમાં મુકાઈ જાય છે.

વિવિધ વૈશ્વિક સંશોધનો અને લાખો લોકોના આરોગ્ય ડેટાના તારણો પરથી સામે આવ્યું છે કે, દારૂના સેવનથી ફેટી લિવર, લિવર સિરોસિસ અને આગળ જતાં લિવર કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. ઉંમર વધવાની સાથે આ જીવલેણ જોખમમાં તીવ્ર ઉછાળો નોંધાય છે. દારૂ શરીરમાં પ્રવેશ્યા પછી છૂટો પડતો ઝેરી ઘટક એસિટૈલ્ડિહાઈડ મોં, અન્નનળી, પેટ, પેન્ક્રિયાઝ અને લિવર સહિતના મહત્વના અંગોમાં કેન્સરના કોષોને સક્રિય કરી શકે છે. નિષ્ણાતોના મતે, સ્વાસ્થ્ય માટે આલ્કોહોલની કોઈ સલામત માત્રા હોતી જ નથી, અને ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું સેવન ઘા પર મીઠું ભભરાવવા સમાન છે.

ડાયાબિટીસના દર્દીઓમાં દારૂનું સેવન બ્લડ સુગરના સ્તરમાં ભારે અસ્થિરતા સર્જે છે, જે અત્યંત જોખમી સાબિત થાય છે. ખાસ કરીને જે દર્દીઓ નિયમિત ઇન્સ્યુલિન કે ડાયાબિટીસની ચોક્કસ દવાઓ લેતા હોય, તેમનામાં દારૂ પીધાના કેટલાક કલાકો પછી લોહીમાં શર્કરાનું પ્રમાણ અચાનક અત્યંત નીચલા સ્તરે પહોંચી જવાની એટલે કે હાઈપોગ્લાઈસેમિયાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિ દર્દીને અચેત કરી શકે છે અને જીવલેણ પણ બની શકે છે. આથી, તબીબો ડાયાબિટીસના દર્દીઓને દારૂથી સંપૂર્ણપણે દૂર રહેવાની અને પોતાના લિવર તથા શુગરની નિયમિત તબીબી તપાસ કરાવવાની સલાહ આપે છે.

LATEST ARTICLES