રાજકોટ સ્થિત એઈમ્સ હોસ્પિટલના તબીબોએ તબીબી ક્ષેત્રે એક પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ જૂનાગઢની રહેવાસી ૧૨ વર્ષની એક બાળકીના પેટમાં આંતરડાના ભાગે ફસાયેલી અત્યંત તીક્ષ્ણ ધાતુની સોઈને કોઈપણ પ્રકારના મોટા ઓપરેશન કે પેટમાં ચીરો મૂક્યા વગર આધુનિક એન્ડોસ્કોપી પદ્ધતિ દ્વારા સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે. આ જટિલ પ્રક્રિયા સફળ રહ્યા બાદ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને માત્ર બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢની આ બાળકીએ થોડા દિવસ પૂર્વે અકસ્માતે ધાતુની એક તીક્ષ્ણ પિન ગળી લીધી હતી. આ બનાવ બાદ બાળકીને પેટમાં સતત અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. પરિવારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાનાઓમાં પ્રાથમિક તપાસ કરાવી હતી, જ્યાં એક્સ-રે અને સીટી સ્કેન કરાવતાં બાળકીના પેટના ઉપરના ભાગમાં ધાતુની પિન હોવાનું નિદાન થયું હતું. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પરિવારે વધુ સુપર સ્પેશિયાલિટી સારવાર માટે બાળકીને તાત્કાલિક રાજકોટ એઈમ્સ ખાતે ખસેડી હતી.
એઈમ્સના જનરલ સર્જરી વિભાગની ઓપીડીમાં બાળકીની ઊંડાણપૂર્વક તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે સોઈ ડ્યુઓડેનમ એટલે કે નાના આંતરડાના નાજુક જોડાણવાળા ભાગમાં ખૂંચી ગઈ હતી. જો આ પિન વધુ સમય અંદર રહે તો આંતરડામાં ગંભીર કાણું પડવાની અને આંતરિક રક્તસ્ત્રાવ થવાની ભીતિ હતી. આ ગંભીર જોખમને ટાળવા માટે સર્જરી વિભાગના વડા ડોક્ટર મિનેશ સિંઘલ અને ડોક્ટર પ્રિયંકા આનંદકાની ટીમે એનેસ્થેસિયા વિભાગના સહયોગથી કોઈપણ સર્જરી વિના એન્ડોસ્કોપી દ્વારા સોઈ કાઢવાનો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. તબીબોએ અત્યંત કુશળતાપૂર્વક આ સોઈને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધી હતી.
આ સફળ પ્રક્રિયા બાદ બાળકીની તબિયતમાં ઝડપી સુધારો નોંધાયો હતો. પ્રક્રિયા પૂર્ણ થયાના છ કલાક બાદ તેને પ્રવાહી ખોરાક અને ત્યારબાદ સામાન્ય આહાર આપવામાં આવ્યો હતો. બાળકીના શરીરમાં કોઈ પણ પ્રકારની જટિલતા કે આડઅસર જોવા ન મળતાં, તબીબોએ તેને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરીને રજા આપી હતી. સમયસર અને સલામત સારવાર મળતાં બાળકીના પરિવારજનોએ તબીબોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
